Jammu and Kashmir,તા.13
જમ્મુ અને કાશ્મીર (J&K)માં નિયંત્રણ રેખા (LoC) નજીક પૂંછમાં પાઈનવુડ સ્કૂલ આજે અડીખમ ઉભી છે. ભારતીય સેનાના ઓપરેશન સદભાવના અને અદાણી ડિફેન્સના સમર્થનથી આ સ્કૂલ હવે શ્રેષ્ઠતાના કેન્દ્રમાં વિકસિત થઈ રહી છે. તે શિક્ષણમાં એક માત્ર નવો અધ્યાય જ નહીં, પરંતુ રાષ્ટ્ર નિર્માણમાં જાહેર-ખાનગી ભાગીદારીની શક્તિનો પ્રત્યક્ષ પુરાવો છે.
પાકિસ્તાન બોર્ડર LoC નજીકના એક અંતરિયાળ ગામમાં અવારનવાર થતા સંઘર્ષના પડઘાઓ ઘણીવાર બાળપણના નિર્દોષ કિલકિલાટને દબોચી દેતા હોય છે. તેવામાં પૂંછ જિલ્લાના હમીરપુર ગામમાં સેના અને અદાણી ડિફેન્સ દ્વારા એક શાંત ક્રાંતિ થઈ રહી છે. ૧૯૯૫માં ઓપરેશન સદભાવના હેઠળ સ્થાપિત પાઈનવુડ સ્કૂલ ૩૫ વિદ્યાર્થીઓની એક સામાન્ય સંસ્થામાંથી આજે એક સમૃદ્ધ શાળામાં પરિવર્તિત થઈ છે. પ્રી-પ્રાઈમરીથી ધોરણ 12 સુધીના 4૦૦ થી વધુ વિદ્યાર્થીઓ તેમાં અભ્યાસ કરે છે.
ભારતીય સેના સંચાલિત આ પહેલ ભારતના સૌથી સંવેદનશીલ પ્રદેશોમાંના એકમાં ગુણવત્તાયુક્ત શિક્ષણની સુવિધા પૂરી પાડીને રહેવાસીઓના હૃદયને જીતવા માટે કરાઈ છે. અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ અને અદાણી ફાઉન્ડેશને આ પરિવર્તનને આવકારવા ભારતીય સેના સાથે ભાગીદારી કરી છે. પાઈનવુડ શાળાના માળખાને ઉન્નત બનાવવા તેઓ નોંધપાત્ર યોગદાન આપી રહ્યા છે. તેમણે અહીં અત્યાધુનિક 51૦-સીટર ઓડિટોરિયમ અને સુરક્ષિત સીમા દિવાલનું નિર્માણ કર્યું છે.
અસ્થિર LoC નજીક કાર્યરત શાળાની મજબૂત દિવાલો વિદ્યાર્થીઓનું સીમાપારના શત્રુઓ સામે રક્ષણ કરે છે, જ્યારે ઓડિટોરિયમ સર્વાંગી શિક્ષણ માટે નવા માર્ગો ખોલી રહ્યું છે, જેમાં અભ્યાસેતર પ્રવૃત્તિઓ, પ્રતિભા પ્રદર્શન, સમુદાય જોડાણ વગેરેનો સમાવેશ થાય છે. મેજર જનરલ દ્વારા ઉદઘાટન થયેલ આ કાર્યક્રમ વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ, કોર્પોરેટ પ્રતિનિધિઓ, સ્થાનિક અગ્રણીઓ અને વાલીઓની હાજરીમાં યોજાયો હતો.
1990 ના દાયકામાં શરૂ કરાયેલ ઓપરેશન સદભાવના એ ભારતીય સૈન્યનો મુખ્ય આઉટરીચ પ્રોગ્રામ છે. તે જમ્મુ અને કાશ્મીરના સંઘર્ષગ્રસ્ત પ્રદેશોમાં વિકાસ અને વિશ્વાસને પ્રોત્સાહન આપે છે. તેનો ઉદ્દેશ્ય શાળાઓ, વ્યાવસાયિક કેન્દ્રો અને તબીબી શિબિરોની સ્થાપના દ્વારા દાયકાઓથી ચાલી આવતી અશાંતિ, સ્વ-નિર્ણયના અધિકાર અને સાંપ્રદાયિક હિંસાથી પ્રભાવિત સમુદાયો સાથે પુલ બનાવવાનો છે.
પાઈનવુડ સ્કૂલ જેવી પહેલ દ્વારા અદાણી જૂથ ભારતના સરહદી સમુદાયોને સશક્ત બનાવવાના વિઝનને મજબૂત બનાવી રહ્યું છે.