ભગવાન શિવજીની ત્રીજી આંખ માત્ર સંહાર કે ક્રોધનું ચિહ્ન નથી, પરંતુ તે જાગૃતિનો પ્રકાશ, આંતરિક દૃષ્ટિનો સ્ત્રોત અને અહંકારના અંતનો સંકેત છે. આપણી બે આંખોથી આપણે બાહ્ય જગતને જોઈએ છીએ, પરંતુ ત્રીજી આંખથી વ્યક્તિ પોતાના આંતરિક જગતને જોઈ શકે છે, જ્યાં શાંતિ અને સત્યનો વાસ છે. શિવપુરાણમાં શિવજીની ત્રીજી આંખને જ્ઞાનના પ્રતીક તરીકે દર્શાવવામાં આવી છે. તે ફક્ત ક્રોધ કે સંહાર માટે જ નહીં, પરંતુ અધર્મ અને અજ્ઞાનતાનો નાશ કરવા માટે ખૂલે છે. જ્યારે પણ કોઈ ભ્રમ, અસત્ય કે અન્યાય સૃષ્ટિમાં ફેલાય છે, ત્યારે શિવજીની ત્રીજી આંખ સત્યનું દર્શન કરાવે છે અને અંધકારનો નાશ કરે છે. શિવજીનું ત્રીજું નેત્ર તેમના જ્ઞાન અને તપની શક્તિનું પ્રતીક પણ છે જે બાહ્ય દેખાવાથી જઈને વાસ્તવિક્તાને ઓળખે છે. 21મી સદીમાં શિવ ઋષિઓ અને દેવો પણ શિવજીની આ દિવ્ય દૃષ્ટિને પ્રણામ કરે છે, કારણ કે તે ત્રણેય કાળ (ભૂતકાળ, વર્તમાનકાળ, ભવિષ્યકાળ)ને જોઈ શકે છે અને સર્વજ્ઞતાનું પ્રતીક છે. આજના યુગમાં, જ્યાં માહિતીના અતિરેક અને ભ્રમજાળથી ભરેલો છે. ફેક ન્યૂઝ, ઓનલાઈન છેતરપિંડી અને ભ્રામક જાહેરાતો સત્યને છુપાવી દે છે. લોકો બાહ્ય દેખાડા અને સોશિયલ મીડિયા વાસ્તવિકતામાં અટવાઈ જાય છે. આવા સમયે, શિવજીની ત્રીજી આંખ આપણને વાસ્તવિકતા અને ભ્રમ વચ્ચેનો ભેદ પારખવાની શક્તિ આપે છે. ત્રીજી આંખ એ ચેતનાનો દ્વાર છે. તે આપણને શીખવે છે કે સાચું જ્ઞાન બહારથી નહીં પણ અંદરથી પ્રાપ્ત થાય છે. ધ્યાન, મૌન અને સમજદારીપૂર્વક જીવન જીવવું એ જ ત્રીજી આંખ ખોલવાનો માર્ગ છે. શિવજી શીખવે છે કે, જ્યારે ભક્ત નિર્ભય થઈને અંતરમનમાં જુએ છે, ત્યાંથી સત્યની શરૂઆત થાય છે. અજ્ઞાનનો અંધકાર દૂર કરી, જ્ઞાનના પ્રકાશનો ઉદય થાય છે. આ પવિત્ર શ્રાવણ મહિનામાં આંતરિક જ્ઞાનચક્ષુ કેળવીને આ ભ્રમિત દુનિયામાં સત્યનો પ્રકાશ આપણી અંદર ઉજાસ થાય તેવો પ્રયત્ન કરીએ.
– મિત્તલ ખેતાણી(મો.98242 21999)