Mumbai,તા.21
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 22 નવેમ્બરથી ગુવાહાટી ટેસ્ટની શરૂઆત થવાની છે, પરંતુ તેના એક દિવસ અગાઉ જ ટીમ ઇન્ડિયાને માઠા સમાચાર મળ્યા છે. કેપ્ટન શુભમન ગિલની ઈજા અંગે ચાલી રહેલા સસ્પેન્સ વચ્ચે, અહેવાલો હતા કે તે કદાચ બીજી ટેસ્ટ નહીં રમે. હવે ગિલને અચાનક ટીમ ઇન્ડિયાના સ્ક્વોડમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે અને તે તેની ઈજાની તપાસ કરાવવા માટે મુંબઈ જવા રવાના થઈ ચૂક્યો છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, શુભમન ગિલને ભારતીય સ્ક્વોડમાંથી દૂર કરવામાં આવ્યો છે અને તે ગુવાહાટીથી મુંબઈ જવા રવાના થઈ ગયો છે. ગિલ 19 નવેમ્બર, 2025ના રોજ ટીમ ઇન્ડિયા સાથે કોલકાતાથી ગુવાહાટી આવ્યો હતો અને એવી આશા હતી કે બીજી ટેસ્ટ પહેલાં તે સાજો થઈ જશે.
જોકે, 20 નવેમ્બરના રોજ તેણે ટ્રેનિંગ સેશનમાં પણ ભાગ લીધો નહોતો. હવે એવી માહિતી મળી રહી છે કે તે આગામી બે-ત્રણ દિવસ મુંબઈમાં આરામ કરશે. ત્યાર પછી, તે ગરદનની ઈજાની તપાસ માટે ડૉક્ટર સાથે મુલાકાત કરશે. જોકે, તેની BCCIના CoE(સેન્ટર ઑફ એક્સલન્સ)માં જવાની કોઈ માહિતી હજી સુધી સામે આવી નથી.
પહેલી ટેસ્ટમાં શુભમન ગિલ ઈજાગ્રસ્ત થતાં, વાઈસ કેપ્ટન રિષભ પંતે ટીમ ઇન્ડિયાની કમાન સંભાળી હતી. હવે ગિલ બીજી ટેસ્ટમાં નહીં રમે, તેથી પંત આખી મેચમાં કેપ્ટનશીપ કરતો જોવા મળી શકે છે. રિષભ પંતના અનુભવનો ફાયદો ટીમને મળી શકે છે. ગિલના સ્ક્વોડમાંથી બહાર થવાને કારણે હવે સાઈ સુદર્શનની ટીમમાં વાપસી થવાની સંભાવના પણ છે. તેમજ અહેવાલ મુજબ અક્ષર પટેલના સ્થાને નીતીશ કુમાર રેડ્ડીનું ટીમ ઇન્ડિયામાં કમબેક થવાનું છે

