Mumbai,તા.28
ઈઝરાયેલ દ્વારા લેબનોન સાથે યુદ્વના અંત માટે સમંતિ સાધવામાં આવતાં જીઓપોલિટીકલ ટેન્શન હળવું થવા સાથે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સત્તાનું સુકાન સંભાળે એ પૂર્વે પ્રધાન મંડળની રચનામાં થઈ રહેલી પસંદગી ચાઈનાને હંફાવવા તરફી હોવાના નિર્દેશોએ એડવાન્ટેજ ઈન્ડિયા બની રહેવાની પોઝિટીવ અસરે આજે શેરોમાં તેજી રહી હતી. આ સાથે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ), એફઆઈઆઈઝની શેરોમાં વેચવાલી અટકીને નવેસરથી ખરીદી થવા લાગતાં બજારને જોઈતો બુસ્ટર ડોઝ મળ્યો હતો. ફંડો, ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો સક્રિય બની જતાં સ્મોલ, મિડ કેપ શેરોમાં ફરી તોફાની તેજીના મંડાણ થતાં જોવાયા હતા.
આ સાથે પસંદગીના બેંકિંગ-ફાઈનાન્સ શેરો એચડીએફસી બેંક, બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, એક્સિસ બેંક, ઓટોમોબાઈલ શેરો મારૂતી સુઝુકી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા મોટર્સ, કેપિટલ ગુડઝ-પાવર શેરો એનટીપીસી, આઈટી શેરો ટેક મહિન્દ્રા, ઈન્ફોસીસ, એફએમસીજી શેરો નેસ્લે ઈન્ડિયા, હિન્દુસ્તાન યુનિલિવરમાં તેજી થતાં સેન્સેક્સ ઈન્ટ્રા-ડે ૮૦૫૦૦ની સપાટી કુદાવી ઉપરમાં ૮૦૫૧૧.૧૫ સુધી જઈ અંતે ૨૩૦.૦૨ પોઈન્ટ વધીને ૮૦૨૩૪.૦૮ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૨૪૩૫૪.૫૫ સુધી જઈ અંતે ૮૦.૪૦ પોઈન્ટ વધીને ૨૪૨૭૪.૯૦ બંધ રહ્યા હતા.
કેપિટલ ગુડઝ શેરોમાં તેજી
કેપિટલ ગુડઝ શેરોમાં આજે ફંડોએ પસંદગીની મોટી ખરીદી કરી હતી. ભારત ઈલેક્ટ્રોનિક્સ રૂ.૯.૪૫ વધીને રૂ.૩૦૭.૨૫, હિન્દુસ્તાન એરોનોટિક્સ રૂ.૧૧૫.૧૦ વધીને રૂ.૪૪૭૮.૪૦, સિમેન્સ રૂ.૧૮૩.૮૦ વધીને રૂ.૭૪૨૯.૭૦, પોલીકેબ રૂ.૧૬૯.૫૫ વધીને રૂ.૭૦૪૪.૫૫, એબીબી ઈન્ડિયા રૂ.૧૭૫.૮૫ વધીને રૂ.૭૫૦૫, લક્ષ્મી મશીન વર્કસ રૂ.૧૩૮.૮૫ વધીને રૂ.૧૫,૯૬૫ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૭૮૪.૮૫ પોઈન્ટ વધીને ૭૦૩૩૨.૪૬ બંધ રહ્યો હતો.
ઓટોમોબાઈલ શેરોમાં આકર્ષણ
ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં ગઈકાલે મોટી વેચવાલી બાદ આજે ઘટાડે પસંદગીની ખરીદી રહી હતી. ટીવીએસ મોટર રૂ.૨૧.૩૦ વધીને રૂ.૨૪૪૩.૯૫, બજાજ ઓટો રૂ.૫૮.૭૫ વધીને રૂ.૯૧૯૮.૩૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૧૬.૫૦ વધીને રૂ.૩૦૦૪.૩૫, એમઆરએફ રૂ.૫૦૭.૩૫ વધીને રૂ.૧,૨૪,૭૧૪ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૨૨૪.૯૨ પોઈન્ટ વધીને ૫૩૧૪૬.૧૩ બંધ રહ્યો હતો.
બેંકિંગ શેરોમાં તેજી
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ફંડોએ ફરી મોટી ખરીદી કરી હતી. એચડીએફસી બેંકમાં ફંડોની નવી ખરીદી થતાં શેર વધીને રૂ.૧૮૧૭.૨૦ નવી ટોચ બનાવી અંતે રૂ.૨૫.૬૦ વધીને રૂ.૧૮૧૧ નવી ઊંચાઈએ બંધ રહ્યો હતો. ફાઈનાન્સ, અન્ય બેંકિંગ શેરોમાં એબીએસએલ એએમસી રૂ.૩૬.૮૫ વધીને રૂ.૮૮૨.૩૫, પેટીએમ રૂ.૩૨.૨૦ વધીને રૂ.૯૧૮.૬૫, હુડકો રૂ.૭.૭૦ વધીને રૂ.૨૨૦.૬૦, બજાજ ફાઈનાન્સ રૂ.૮૫.૦૫ વધીને રૂ.૬૭૦૪.૧૫, આધાર હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૧૭.૨૫ વધીને રૂ.૪૨૪ રહ્યા હતા.
આઈટી શેરોમાં તેજી
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફંડોની આજે પસંદગીની ખરીદી રહી હતી. એક્સિસકેડ્સ ટેકનોલોજી રૂ.૧૬.૭૫ વધીને રૂ.૪૪૮.૬૫, ડાટામેટિક્સ રૂ.૧૮.૭૦ વધીને રૂ.૫૭૨, ક્વિક હિલ ટેકનોલોજી રૂ.૧૯.૮૦ વધીને રૂ.૬૨૧.૨૫, નેલ્કો રૂ.૩૦.૬૫ વધીને રૂ.૧૦૧૮.૨૫, ઝેનસાર ટેકનોલોજી રૂ.૨૧.૧૫ વધીને રૂ.૭૭૦.૧૦ રહ્યા હતા.
૨૫૬૩ શેરો પોઝિટીવ બંધ
ફંડો, ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો ફરી સક્રિય બની જવા સાથે આજે સ્મોલ, મિડ કેપ શેરોમાં ફરી વ્યાપક તેજીના મંડાણ થતાં જોવાયા હતા. જેથી માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૪૦ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૫૬૩ અને ઘટનારની સંખ્યા ૧૩૮૦ રહી હતી.
FIIની રૂ.૮ કરોડની ખરીદી
એફઆઈઆઈઝની આજે બુધવારે કેશમાં શેરોમાં રૂ.૭.૭૮ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૧૩૦૧.૯૭ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી.
રોકાણકારોની સંપતિ વધી
સેન્સેક્સ, નિફટીમાં તેજી સાથે સ્મોલ, મિડ કેપ અનેક શેરોના ભાવો ઉછળતા રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૪.૭૩ લાખ કરોડ વધીને રૂ.૪૪૪.૪૮ લાખ કરોડ પહોંચી ગયું હતું.