New Delhi તા.1
જમ્મુ અને કાશ્મીરના ઊંચાઈ પર આવેલા વિસ્તારોમાં 5 થી 7 ઓક્ટોબર 2025ની વચ્ચે 2025-2026 સિઝનની પહેલી હિમવર્ષા થવાની ભવિષ્યવાણી કરવામાં આવી છે. આ વહેલી હિમવર્ષાથી આ પ્રદેશમાં શિયાળુ પર્યટન ક્ષેત્રને વેગ મળવાની અપેક્ષા છે.
આ ઘટના મુખ્યત્વે મજબૂત પશ્ચિમી વિક્ષેપને કારણે થઈ રહી છે, જે ભૂમધ્ય સમુદ્રમાંથી ઉદ્ભવતી એક ઓછા દબાણવાળી સિસ્ટમ છે, જે સામાન્ય રીતે ઉત્તર-પશ્ચિમ ભારતમાં વરસાદ લાવે છે.
શ્રીનગર સ્થિત હવામાન વિભાગ મુજબ આ સિઝનની પહેલી હિમવર્ષાની ભવિષ્યવાણી કરવામાં આવી છે. 5-6 ઓક્ટોબર 2025ના રોજ ગુલમર્ગ, પહેલગામ, સોનમર્ગ જેવા લોકપ્રિય સ્થળો અને ઝોજિલા પાસની આસપાસના વિસ્તારો સહિત ઊંચાઈવાળા વિસ્તારોમાં પહેલી હળવાથી મધ્યમ હિમવર્ષા થવાની સંભાવના છે.
પર્વતીય પ્રદેશોમાં હળવાથી મધ્યમ હિમવર્ષાથી ગુલમર્ગ જેવા સ્કી રિસોર્ટને ફાયદો થશે, પરંતુ ઝોજિલા જેવા પાસ ખોરવાઈ શકે છે. પશ્ચિમી વિક્ષેપ લદ્દાખ અને હિમાચલ પ્રદેશના કેટલાક ભાગોને પણ અસર કરશે, 5-6 ઓક્ટોબરે હિમવર્ષા થવાથી તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થવાની ધારણા છે અને 7 ઓક્ટોબર સુધીમાં ઘાટીમાં લઘુત્તમ તાપમાન 5-8ઓ સેલ્સિયસ સુધી ઘટી જશે.
હવામાન મોડેલો ગુલમર્ગ, સોનમર્ગ અને અન્ય ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષાની શક્યતા દર્શાવે છે, જે આ મનોહર લેન્ડસ્કેપને શિયાળાના અદ્ભુત નજારામાં બદલી શકે છે. નીચલા વિસ્તારોમાં તાપમાન અને હિમવર્ષાની તીવ્રતાના આધારે વરસાદ અથવા હળવી હિમવર્ષા થઈ શકે છે.
રાજદાન ટોપ, સિન્થન ટોપ, ઝોજિલા પાસ, પીર કી ગલી અને માર્ગન ટોપ જેવા ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષા થવાની સંભાવના છે, જેના કારણે રસ્તાઓ બંધ થઈ શકે છે અને વાહન વ્યવહાર ખોરવાય શકે છે. ગુલમર્ગ, સોનમર્ગ, ગુરેઝ ઘાટીના મેદાનો, દૂધપથરી જેવા લોકપ્રિય સ્થળોએ મધ્યમ હિમવર્ષાની અપેક્ષા છે.