New Delhi, તા.27
કેન્દ્ર સરકાર આગામી 1 જૂન, 2026થી સોલાર પ્લાન્ટ ઇન્સ્ટોલેશન પ્રક્રિયામાં એક મોટો ફેરફાર કરવા જઈ રહી છે. હવેથી માત્ર સોલાર પેનલ જ નહીં, પરંતુ તેમાં વપરાતા ‘સોલાર સેલ્સ’ માટે પણ સરકારની મંજૂરી હોવી અનિવાર્ય બનશે.
સરકારના આ કડક કદમ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતમાં સ્થાનિક સ્તરે સોલાર પેનલના ઉત્પાદનને વેગ આપવાનો છે. આ નિર્ણયથી વિદેશી બજારો, ખાસ કરીને ચીન પરની નિર્ભરતામાં મોટો ઘટાડો થશે અને ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાન વધુ મજબૂત બનશે. જોકે, આ નવા નિયમ બાદ સોલાર સિસ્ટમ વસાવવી થોડી મોંઘી સાબિત થઈ શકે છે.
સરકારના આ નવા નિયમને ALMM (Approved List of Models and Manufacturers) તરીકે ઓળખવામાં આવે છે. અત્યાર સુધી સરકારી નિયમો માત્ર સોલાર મોડ્યુલ એટલે કે આખી પેનલ પૂરતા સીમિત હતા. પરંતુ 1 જૂન, 2026થી પેનલની અંદર આવતા નાના સેલ્સ પણ સરકારે જાહેર કરેલી પ્રમાણિત યાદીના જ હોવા જોઈએ.
આ આકરો નિયમ ખાસ કરીને સરકારી સબસિડીનો લાભ લેનારા ગ્રાહકો, નેટ મીટરિંગની સુવિધા મેળવનારાઓ અને મોટા કદના સોલાર પ્રોજેક્ટ્સને સીધો લાગુ પડશે. આનાથી બજારમાં હલકી ગુણવત્તાવાળા ઉત્પાદનો પર રોક લાગશે.
નિષ્ણાતોના વિશ્લેષણ મુજબ, નવા નિયમોના કારણે સોલાર પેનલ બનાવવાનો ખર્ચ વધશે, જેથી ગ્રાહકોએ પણ વધુ ખિસ્સું ખાલી કરવું પડશે. અંદાજિત કિંમતોમાં 1 કિલોવોટમાં અંદાજે 3,000, 2 કિલોવોટમાં અંદાજે 6,000 અને 3 કિલોવોટમાં અંદાજે 9,000 સુધીનો વધારો થઇ શકે છે.
જો બજારમાં મંજૂર થયેલા સોલાર સેલ્સનો પુરવઠો ઘટશે, તો કિંમતો હજુ પણ વધી શકે છે. જોકે, જે ગ્રાહકો સરકારી યોજનાઓ કે સબસિડી વગર પોતાની રીતે પેનલ લગાવે છે, તેમને આ ભાવવધારાની ખાસ અસર નહીં થાય.
સોશિયલ મીડિયા પર એવી અફવાઓ ઉડી રહી છે કે સરકાર સોલાર સબસિડી બંધ કરી રહી છે, જે તદ્દન ખોટી છે. ‘પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના’ અંતર્ગત મળતી આર્થિક સહાય પહેલાની જેમ જ ચાલુ રહેશે.
હાલના નિયમ મુજબ સરકાર 1 કિલોવોટ પર 30,000, 2 કિલોવોટ પર 60,000 અને 3 કિલોવોટ કે તેથી વધુની સિસ્ટમ પર મહત્તમ 78,000 સુધીની સબસિડી આપે છે. અમુક રાજ્યો પોતાની તરફથી પણ વધારાની છૂટછાટ આપે છે. બસ હવે સબસિડી મેળવવા માટે સરકારી નીતિ-નિયમો અને કાગળિયાની પ્રક્રિયા વધુ ચુસ્ત બનશે.

