દિવ્યકિર્તીએ જણાવ્યું હતું કે, ફિલ્મને ભલે સફળતા મળી છે પણ તે સામાજિક જવાબદારીમાં ચૂકી ગઈ છે
Mumbai તા.૮
તાજેતરના એક ઇન્ટરવ્યુમાં ‘એનિમલ’ના ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાએ જાણીતા આઈએએસ કોચિંગ સેન્ટરના ટ્રેઇનર વિકાસ દિવ્યકિર્તીના નિવેદન પર જવાબ આપ્યો છે. વિકાસ દિવ્યકિર્તી સોશિયલ મીડિયા યૂઝર્સ માટે એક જાણીતું નામ છે. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં તેમણે રણબીર કપૂરની ‘એનિમલ’ની ટિકા કરી હતી. આ બાબતે તેમની દલીલ હતી કે આવી ફિલ્મો સમાજને દસ વર્ષ પાછળ ધકેલી દે છે અને તેમણે આવી ફિલ્મોની સમાજની માનસિકતા પર અસર પર સવાલ ઉઠાવ્યા હતા. દિવ્યકિર્તીએ જણાવ્યું હતું કે, ફિલ્મને ભલે સફળતા મળી છે પણ તે સામાજિક જવાબદારીમાં ચૂકી ગઈ છે. ફિલ્મ મેકર્સે પૈસા બનાવવા અંગે જ વિચાર કરવાને બદલે એ પણ વિતારવું જોઈએ કે તેઓ સમાજને કેટલાં મુલ્યો આપી શકે છે, માત્ર પ્રાણી જેવું વર્તન કરતો હિરો બતાવવાની જરૂર નથી. વિકાસ દિવ્યકિર્તીની આ વાત પર જવાબ આપતા સંદીપ રેડ્ડી વાંગાએ ઇન્ટરવ્યુમાં કહ્યું, “જો કોઈ તમારા પર કારણ વિના હુમલો કરે તો તમને ૧૦૦ ટકા ગુસ્સો આવે જ ને!”વાંગાએ કહ્યું હતું કે લોકો જાણે એવું જતાવવા માગે છે કે મેં ફિલ્મ બનાવીને કશુંક બહુ ખોટું કરી નાંખ્યું હોય. તેણે ’૧૨ ફેઈલ’ સાથે સરખામણી કરતા એવું પણ કહ્યું કે કોઈ ફિલ્મ પ્રેરણા આપે તો કોઈ ફિલ્મ સમાજને પાછળ લઈ જાય. જ્યારે તમારા પર કારણ વિના કોઈ આક્ષેપ કે હુમલો કરે તો તેનાથી સહજ રીતે જ ગુસ્સાને ઉત્તેજન મળે છે. તમે આઈએએસ બનવા માગતા હોય તો તમારે એક ચોક્કસ રસ્તા પર ચાલવાનું હોય છે. ક્લાસમાં એડમિશન લો, નક્કી કરાયેલાં પુસ્તકો વાંચો, તૈયારીમાં નક્કી કરેલો સમય આપો. ફિલ્મ મેકિંગ આઈએએસની પરિક્ષા નથી, કોઈ ચોક્કસ પુસ્તકો વાંચીને, એક જ ટીચર પાસે ભણીને ફિલ્મ મેકર કે ફિલ્મ રાઇટર બની શકાય નહીં. કોઈ એક ફિલ્મ સમાજને પાછળ ધકેલે એવું શક્ય જ નથી. મારું કામ લોકોના જીવ બચાવવાનું અને દુનિયામાં ક્રાંતિ લાવવાનું નથી. આ ઉપરાંત વાંગાએ ‘એનિમલ પાર્ક’ વિશે પણ વાત કરી હતી. તેણે કહ્યું હતું કે સિક્વલમાં અલગ સ્ટોરી જોવા મળશે. તેણે કહ્યું, “એક છોકરો છે, જે સીબીઆઈ ઓફિસર છે, પણ મારે એ બીજા ભાગમાં બતાવવું છે. એટલે પહેલાં ભાગમાં પોલિસ બતાવી નથી. રણબીર કપૂરની પાછળ એક સીબીઆઈ ઓફિસર પડેલો છે. પણ પછી મેં એ પાત્રને બીજા ભાગમાં સરપ્રાઇઝ તરીકે લેવાનું નક્કી કર્યું, જે આ ફિલ્મમાં જોવા મળશે.”