Mumbai,તા.19
અભિનેત્રી દિશા પટણીના ઘરે ફાયરિંગના આરોપી અરૂણનું ગાઝિયાબાદમાં એન્કાઉન્ટર મામલે અનેક સવાલો ઉભા થયા છે. નોઈડા એસટીએફ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા અરુણના ભાઈએ દાવો કર્યો છે કે એન્કાઉન્ટર નકલી હતું અને એક નિર્દોષ વ્યક્તિનું મોત થયું હતું. અંકુરનો દાવો છે કે ગોળીબાર કરનારા બે બાઇક સવાર ગુનેગારોમાંથી કોઈ પણ તેનો ભાઈ નથી.
અંકુરે દાવો કર્યો હતો કે, એન્કાઉન્ટર બાદ પણ મારા ભાઈનું શરીર પીળુ દેખાય છે. જ્યારે બાઈક પર બેઠેલા યુવકનો ચહેરો સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. તે મારો ભાઈ નથી. હેલ્મેટ પહેરેલો વ્યક્તિ મારો ભાઈ નથી, કારણ કે મારો ભાઈ ડાયાબિટીસને કારણે નિસ્તેજ અને નાજુક હતો. બાઇક ચલાવતો છોકરો ઘઉંવર્ણો છે. મારા ભાઈએ આજસુધી કોઈની સાથે મારપીટ સુદ્ધા પણ કરી નથી. અને તેના પર 1 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું. ઉલ્લેખનીય છે, અંકુર ઉપરાંત તેના માતા-પિતાએ પણ નકલી એકાઉન્ટરનો દાવો કરતાં સવાલો ઉઠાવ્યા છે.બરેલીની સિવિલ લાઈન્સમાં રહેતી અભિનેત્રી દિશા પટણીના ઘરની બહાર 12 સપ્ટેમ્બરના રોજ લગભગ 3.45 વાગ્યે મોટરસાઇકલ પર આવેલા બે અજાણ્યા હુમલાખોરોએ ફાયરિંગ કર્યું હતું. લગભગ 8થી 10 રાઉન્ડ ફાયરિંગ બાદ તેઓ ફરાર થયા હતા. આ ઘટના સમયે દિશા પટણી મુંબઈમાં હતી, જ્યારે તેના પિતા, જગદીશ સિંહ પટણી (નિવૃત્ત DSP), માતા પદ્મા પટણી અને બહેન ખુશ્બુ પટણી ઘરે હાજર હતા. ફાયરિંગના કારણે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ હતી. પોલીસે સેંકડો CCTV ફૂટેજની સમીક્ષા કર્યા પછી આરોપીઓની ઓળખ કરી હોવાનો દાવો કર્યો હતો.પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) એ ટેક્નો સિટી વિસ્તારમાં એન્કાઉન્ટર કર્યું હતું. STF અનુસાર, માર્યા ગયેલા આરોપીની ઓળખ રોહતકના રહેવાસી રવિન્દ્ર અને સોનીપતના રહેવાસી અરુણ તરીકે કરવામાં આવી છે. STF અનુસાર, બંને સામે હત્યા, ખંડણી અને અન્ય ગંભીર ગુનાઓના કેસ નોંધાયેલા હતા અને તેઓ હરિયાણાના કુખ્યાત રોહિત ગોદારા અને ગોલ્ડી બરાર ગેંગ સાથે જોડાયેલા હતા. પોલીસને ઘટનાસ્થળેથી એક ગ્લોક પિસ્તોલ, એક જિગાના પિસ્તોલ અને મોટી માત્રામાં દારૂગોળો મળી આવ્યો હતો.