New Delhi તા.30
પશ્ચિમ બંગાળમાં ઘુસણખોરી કરેલા બાંગ્લાદેશીઓ અને મ્યાનમારના રોહીંગ્યા શરણાર્થીઓને પરત મોકલવાની શરુ કરાયેલી કાર્યવાહીમાં જે લોકો બાંગ્લા ભાષા બોલે છે તેને શંકાસ્પદ ગણીને ચકાસણી કરાઈ છે અને રાજયની મમતા બેનર્જી સરકારે ફકત બંગાળી ભાષા બોલતા હોવાથી તેને વિદેશી ગણીને તડીમાર કરવા સામે જે રીતે વિરોધ કર્યો છે.
તે સમયે સુપ્રીમકોર્ટે સરહદી સલામતી દળના એ અધિકારને માન્ય રાખ્યો છે કે, જો કોઈ રાષ્ટ્રીય સલામતી સામે જોખમ હોય તો તેને ભારતની સરહદમાં પ્રવેશનો ઈન્કાર કરવો એ દળની ફરજ પણ છે. સાથોસાથ કેન્દ્ર સરકારને એ પ્રશ્ન પૂછયો છે કે શું ફકત બંગાળી ભાષા બોલતા હોય તેમને ડીપોટ કરવાનું એ કોઈ માપદંડ બની શકે.
વાસ્તવમાં પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ બંનેમાં વસતા લોકોની ભાષા લગભગ એક સમાન છે અને જે રીતે બંગાળી ભાષા બોલતા અને જેઓ શંકાસ્પદ હોય તેમને તડીપાર કરવાની કાર્યવાહી મુદે સુપ્રીમકોર્ટના ન્યાયમૂર્તિ સુર્યકાંતની ખંડપીઠે પુછયું હતું કે કોઈ ટ્રીબ્યુનલ કે અન્ય કોઈ ઓથોરિટી મારફત ચકાસણી કરવામાં આવે છે.
રસપ્રદ બાબત એ છે કે, ગઈકાલે જ સુપ્રીમકોર્ટના ન્યાયમૂર્તિ તરીકે શપથ લેનાર ગુજરાત હાઈકોર્ટના પુર્વ ન્યાયમૂર્તિ વિપુલ પંચોલીને આ ખંડપીઠમાં સમાવાયા છે. ગુજરાતમાં તેમની બદલી સામે વિરોધ યથાવત છે.
સર્વોચ્ચ અદાલત સમક્ષ થયેલી રીટ અરજીમાં જણાવાયું છે કે તડીપાર થતા લોકોને બંને તરફથી એટલે કે બાંગ્લાદેશ અને ભારતની સરહદમાં ગોળીબારનો ભય લાગે છે અને તેથી તેઓ ક્રોસ ફાયરમાં ફસાયા હોય તેવી સ્થિતિ અનુભવે છે. તે વચ્ચે સુપ્રીમકોર્ટે કેન્દ્ર સરકારને તેનું વલણ નિશ્ચિત કરવા જણાવ્યું છે.