ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના રથોને જ્યારે મંદિરથી બહાર કાઢવામાં આવી રહ્યા હતા, ત્યારે તેમને જોવા માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું
Puri , તા.૧૬
ઓડિશાના પુરીમાં જગપ્રસિદ્ધ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો ગુરુવારથી ભક્તિભાવપૂર્વક પ્રારંભ થયો છે. જોકે, રથયાત્રાના પ્રથમ દિવસે જ ભક્તોની ભારે ભીડને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. લાખો ભક્તોની હાજરી વચ્ચે થયેલી દોડધામમાં ગૂંગળામણના કારણે એક શ્રદ્ધાળુનું મોત નીપજ્યું છે, જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના રથોને જ્યારે ૧૨મી સદીના મુખ્ય મંદિરથી બહાર કાઢવામાં આવી રહ્યા હતા, ત્યારે તેમને જોવા માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. આ અતિશય ભીડમાં શ્વાસ લેવાની તકલીફ થતાં એક શ્રદ્ધાળુ અચાનક બેહોશ થઈને ઢળી પડ્યો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
ઘટનાને પગલે સ્પેશિયલ રેસ્ક્યુ યુનિટ (જીઇેં)ની ટીમોએ તુરંત જ બચાવ કામગીરી શરૂ કરીને અસરગ્રસ્તોને ભીડમાંથી બહાર કાઢ્યા હતા. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે પુરીની મેડિકલ કોલેજ અને અન્ય હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. ભીડ પર નિયંત્રણ મેળવવા માટે પ્રશાસન દ્વારા તાત્કાલિક વધારાની સુરક્ષા અને મેડિકલ ટીમો તૈનાત કરી દેવામાં આવી છે.
આ અગાઉ, પરંપરાગત વાદ્યો, શંખનાદ અને ઝાંઝ-પખવાજના નાદ સાથે ભગવાનની યાત્રા શરૂ થઈ હતી. સૌપ્રથમ ચક્રરાજ સુદર્શનને રથ પર બિરાજમાન કરાયા હતા અને ત્યારબાદ દેવી સુભદ્રા તથા ભગવાન જગન્નાથના રથોને પ્રસ્થાન કરાવાયા હતા. આ સમયે સમગ્ર પુરી જય જગન્નાથના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. આ યાત્રા મુખ્ય મંદિરથી ગુન્ડિચા મંદિર સુધી જશે. પુરીમાં છેલ્લા ૨૪ કલાકમાં અંદાજે ૨૦૦ મિલીમીટર જેટલો ભારે વરસાદ નોંધાયો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે પુરી મ્યુનિસિપલ કોર્પોરેશન (ઁસ્ઝ્ર)ની ૨૪ કલાક કાર્યરત ટીમોને એલર્ટ પર રાખવામાં આવી છે.
આવાસ અને શહેરી વિકાસ મંત્રી કૃષ્ણ ચંદ્ર મહાપાત્રએ જાતે સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લઈને વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી. તેમણે અધિકારીઓને કડક સૂચના આપતાં કહ્યું કે, પાણી ભરાયેલા વિસ્તારોમાં હાઈ-કેપેસિટી પમ્પિંગ યુનિટ્સ કાર્યરત કરવામાં આવે અને રથયાત્રાના રૂટ પર રસ્તાઓ સુકા અને વાહનવ્યવહાર યોગ્ય રાખવામાં આવે.

