Mumbai, તા. 8
મુંબઇ શેરબજારમાં અર્થતંત્રનો આફટરશોક હોય તેમ ઇન્ટ્રાડે જોરદાર કડાકો રહ્યા બાદ રીકવરી આવી હતી. બીજી તરફ ડોલર સામે રૂપિયો 14 પૈસા પટકાયો હતો.
ભારતીય અર્થતંત્રની રફતાર ધીમી પડી છે અને વિકાસ દર ચાર વર્ષના નીચલા સ્તરે રહેવાના રીપોર્ટથી માર્કેટમાં વિપરીત અસર થઇ હતી તેના પ્રત્યાઘાત હેઠળ શરૂઆત નબળા ટોને રહ્યા બાદ આક્રમકકારી વેચવાલી નીકળતા માર્કેટ નીચે ઉતરવા લાગ્યું હતું.
અંતિમ તબકકામાં જોકે નાણા સંસ્થાઓની લેવાલી તથા નીચા મથાળે પસંદગીના ધોરણે ધુમ ખરીદી શરૂ થતા રીકવરી શરૂ થઇ હતી. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે અર્થતંત્ર નબળા પડયાના કારણથી માનસ નબળુ પડયું હતું.
કોર્પોરેટ પરિણામો અને ત્યારબાદ સામાન્ય બજેટની અસર રહેશે. અમેરિકામાં ટ્રમ્પના શપથગ્રહણ બાદ સરકારની નીતિની પણ અસર રહેશે. ફેબ્રુઆરીમાં જ ચોકકસ ટ્રેન્ડ નકકી થઇ શકશે.
શેરબજારમાં આજે કોટક બેંક, લાર્સન, મહિન્દ્રા, એનટીપીસી, સ્ટેટ બેંક, અદાણી પોર્ટ, એચડીએફસી બેંક, આઇસીઆઇસીઆઇ બેંક જેવા શેરોમાં ઘટાડો હતો ત્યારે મારૂતિ, રિલાયન્સ, ટીસીએસ, ટાઇટન, અલ્ટ્રા ટેક સિમેન્ટ, એશીયન પેઇન્ટસ, ભારતી એરટેલ, ઓએનજીસી જેવા શેરો ઉંચકાયા હતા.
મુંબઇ શેરબજારનો સેન્સેટીવ ઇન્ડેક્ષ નીચામાં 77486 સુધી ધસી ગયા બાદ રીકવરી આવી હતી. ઉંચામાં 78319 થઇને 78211 સાંપડયો હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 23703 સાંપડયો હતો. જે ઉંચામાં 23751 તથા નીચામાં ર3496 હતો.
બીજી તરફ કરન્સી માર્કેટમાં ડોલર સામે ભારતીય રૂપિયો ફરી વખત દબાણમાં આવી ગયો હતો અને 14 પૈસાના ઘટાડાથી 8પ.8પ સાંપડયો હતો.