Mumbai, તા.17
મુંબઇ શેરબજારમાં મંદી વધુ તીવ્ર બની હોય તેમ હેવીવેઇટ શેરોમાં આક્રમણકારી વેચવાલીથી મંદીનું મોજુ ફરી વળ્યું હતું. સેન્સેક્સમાં 1100 પોઇન્ટથી વધુનો કડાકો બોલી ગયો હતો. ઇન્વેસ્ટરોના 6 લાખ કરોડથી વધુ નાણાંનું ધોવાણ થયું હતું.
શેરબજારમાં આજે શરૂઆત જ નેગેટીવ ટોને થઇ હતી. હેવીવેઇટ સહિત તમામ શેરો વેચવાલીના સતત મારાથી સડસડાટ કરતા નીચે ઉતરતા રહ્યા હતા. ભારતની વ્યાપાર ખાદ્ય ચિંતાજનક રીતે વધી હોવાનો રીપોર્ટ જાહેર થતાં પ્રતિકુળ અસર થઇ હતી. કોર્પોરેટ પરફોર્મન્સ વિશે શંકાકુશંકાનો પણ પ્રત્યાઘાત હતો.
વિદેશી નાણાં સંસ્થાઓની એકધારી વેચવાલી, કેલેન્ડર વર્ષ પૂર્ણ થવાના આરે હોવાથી ઘટતા વેપારની અસર હતી. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે અમેરિકી ફેડરલ રિઝર્વની વ્યાજદર વિશેની બેઠક પર મીટ માંડવામાં આવી રહી છે. ફેડરલ રિઝર્વ વ્યાજદર ઘટાડે છે કે કેમ અને કેવો અભિગમ અપનાવે છે તેના પર મીટ માંડવામાં આવે છે.
ફેડરલ રિઝર્વના નિર્ણયની મોટી અસર રહેવાની શક્યતા છે. શેરબજારમાં આજે મોટાભાગના શેરોમાં ગાબડા પડ્યા હતા. મારૂતિ, એનટીપીસી, પાવરગ્રીડ, રીલાયન્સ, સ્ટેટ બેંક, ટાટા સ્ટીલ, ટીસીએસ, ટાઇટન, એશિયન પેઇન્ટસ, એક્સીસ બેંક, બજાજ ફાઇનાન્સ, ભારતી એરટેલ, એચડીએફસી બેંક, આઇસીઆઇસીઆઇ બેંક, ઇન્ફોસીસ, જેએસડબલ્યૂ, સ્ટીલ, કોટક બેંક, લાર્સન, મહિન્દ્ર તૂટ્યા હતા. સીપ્લા, ટાટા મોટર્સ, હિન્દ લીવર વગેરેમાં સુધારો હતો.
મુંબઇ શેરબજારનો સેન્સીટીવ ઇન્ડેક્સ 1050 પોઇન્ટના કડાકાથી 80779 હતો તે ઉંચામાં 81613 તથા નીચામાં 80639 હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફટી 309 પોઇન્ટ તૂટીને 24358 હતો તે ઉંચામાં 24624 તથા નીચામાં 24323 હતો. કરન્સી માર્કેટમાં ડોલર સામે રુપિયો દબાણમાં હતો અને 84.92ના નવા તલીયે સરકી ગયો હતો.