૫૦૦ કેસર કેરીના આંબાવાડીમાં રહેલા આંબાના ઝાડ પરથી ભારે પવનના કારણે કેરીઓ પડી જતા નુકસાન
Banaskantha, તા.૪
અનેક વિસ્તારોમાં મોડી રાત્રે ભારે પવન સાથે પડેલા કમોસમી વરસાદે ખેડૂતોના ઉનાળું પાકને નુકસાન પહોચાડ્યું છે. પાલનપુરમાં પડેલા પવન સાથેના કમોસમી વરસાદથી ૫૦૦ કેસર કેરીના આંબાવાડીમાં રહેલા આંબાના ઝાડ પરથી ભારે પવનના કારણે કેરીઓ પડી જતા આંબાની વાડી ઉધડ રાખનાર વ્યક્તિને મોટું નુકસાન પહોંચતા સરકાર પાસે સહાયની માંગ કરાઈ છે.
હવામાન વિભાગની આગાહીના પગલે બનાસકાંઠાના થરાદ,ડીસા,ધાનેરા,દાંતીવાડા, અમીરગઢ, વડગામ અને પાલનપુરમાં મોડી રાત્રે ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોના બાજરી,જુવાર પાકોને નુકસાન પહોંચ્યું છે. પાલનપુરમાં પડેલા ભારે પવન સાથેના વરસાદે આંબાવાડીમાં ઉભેલા ૫૦૦ કેસર કેરીના ઝાડ ઉપરથી કેરીઓ નીચે પાડી દેતા આંબાવાડી ઉધડ રાખનાર વિશાલભાઈ પટનીને મોટું નુકસાન પહોંચ્યું છે.
વિશાલ પટનીનું કહેવું છે કે “અમે ૮ લાખ રૂપિયા આપીને ૫૦૦ કેસર કેરીના આંબા ઉઘડ રાખ્યા હતા અને અમને આશા હતી કે આમાંથી અમને ૧૫ લાખ રૂપિયાની કેરીઓ ઉતરશે, જોકે આંબાઓ ઉપર કેરીઓ પણ સારી આવી હતી પરંતુ ગઈકાલે મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ પડતાં તમામ આંબાની કેરીઓ નીચે પડી ગઈ છે અને અમને ૧૫ લાખ રૂપિયાનું નુકસાન થયું છે. હવે સરકાર અમને યોગ્ય સહાય આપે નહિ તો અમે દેવાદાર બની જઈશું.”
બીજી તરફ કમોસમી માવઠાએ અમીરગઢ પંથક બાજરીના પાકને નુકસાન પહોંચાડયું છે. બાજરીના પાકો ભારે ભારે પવનના કારણે આડી થઇ જતા ખેડૂતોને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે. દાંતીવાડા તાલુકાના પાંથાવાડા માર્કેટયાર્ડમાં પણ બેદરકારી આવી સામે આવી હતી. હવામાન વિભાગની આગાહી હોવા છતાં ખેડૂતોની જણસી ખુલ્લામાં મૂકતા પલળી ગઈ હતી. એરંડા અને રાયડાની ૫૦૦થી વધુ બોરીની જણસી પણ વરસાદમાં પલળતા ખેડૂતને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે.