એક નગરમાં એક વૃદ્ધ ચોર રહેતો હતો.તેને એક સોળ વર્ષનો પુત્ર હતો.જ્યારે ચોર વૃદ્ધ થયો ત્યારે તેણે તેના પુત્રને ચોરી કરવાની કળા શીખવવાનું શરૂ કર્યું.થોડા દિવસોમાં છોકરો ચોરી કરવાની કળામાં નિપુણ બની ગયો.પિતા અને પુત્ર બંને આરામથી રહેવા લાગ્યા.એક દિવસ ચોરે તેના પુત્રને કહ્યું કે જો દીકરા ! તારે ક્યારેય સંતો-મહાપુરૂષો અને ઋષિઓનો સત્સંગ સાંભળવો નહી.જો કોઈ સંત-મહાત્માનો સત્સંગ ચાલી રહ્યો હોય અને તેના નજદીકથી તારે પસાર થવાનું થાય તો કાનમાં આંગળીઓ નાખીને ત્યાંથી ઝડપભેર ભાગી જવું.
દિકરાએ ક્યારેય સંતોનો સંગ ન કરવાનું અને ક્યારેય સત્સંગ નહી સાંભળવાનું પિતાને વચન આપ્યું. એક દિવસ છોકરાએ વિચાર્યું કે આજે તો રાજાના મહેલમાં ચોરી કરવી છે,આવું વિચારીને તે રાજમહેલ તરફ જવા નીકળ્યો.થોડે દૂર ચાલ્યા પછી તેણે રસ્તાની બાજુમાં કેટલાક લોકોને ભેગા થયેલા જોયા.તેણે એક રાહદારીને પૂછ્યું કે ત્યાં આટલા બધા લોકો કેમ ભેગા થયા છે? તો જવાબ મળ્યો કે ત્યાં એક સંત-મહાત્માનો સત્સંગ ચાલી રહ્યો છે.આ સાંભળીને તે ચોંકી ગયો.મારે પિતાની આજ્ઞાનુસાર સત્સંગ શ્રવણ કરવો નથી આમ વિચારીને તેણે કાનમાં આંગળીઓ નાખી અને ઝડપથી ચાલવા લાગ્યો.જ્યારે તે સત્સંગ પંડાલ નજીકથી પસાર થઇ રહ્યો હતો તે સમયે એક બાવળની શૂળ તેના પગમાં પેસી ગઇ તેને કાઢવા એક કાનમાંથી આંગળી કાઢીને બાવળનો કાંટો પગમાંથી કાઢીને તુરંત જ કાનમાં આંગળી પાછી ઘાલી દીધી.આ સમયે મહાત્માનું પ્રવચન ચાલતું હતું અને તેઓ કહી રહ્યા હતા કે “ક્યારેય જૂઠું ન બોલો અને જેનું અન્ન તમે ખાઓ છો તેનું ક્યારેય ખરાબ ન કરો.” આમ જે કરે છે તેમની ઉપર ભગવાનની કૃપા વરસે છે,આ બે શબ્દો તેને સાંભળ્યા અને રાજાના મહેલ તરફ ગયો,ત્યાં પહોંચતા જ તે અંદર જવા જતો હતો ત્યારે ત્યાં બેઠેલા ચોકીદારે તેને રોક્યો અને પુછ્યું કે તમે કોન છો અને કોને મળવા રાજમહેલમાં જવું છે? તે સમયે ચોરને પેલા મહાત્માના શબ્દો આવ્યા અને વિચાર્યું કે જુઠું ના બોલવું જોઇએ.આજે સત્ય બોલીને જોઇએ કે તેનું શું પરીણામ આવે છે આમ વિચારી ચોરે કહ્યું કે “હું ચોર છું અને રાજમહેલમાં ચોરી કરવા જઈ રહ્યો છું.”
ચોકીદારોએ વિચાર્યું કે રાજમહેલનો કોઇ નોકર કે રાજા સાહેબનો કોઇ સબંધી હશે જે અમારી સાથે મજાક કરી રહ્યા છે તેમ વિચારીને ચોરને અંદર જવા દીધો.ચોરે સાચું બોલીને રાજમહેલમાં પ્રવેશ કર્યો.તે રાજમહેલના એક રૂમમાં ગયો ત્યાં તેને ઘણા બધા પૈસા અને ઝવેરાત જોઇને તેનું મન નાચી ઉઠ્યું.સાથે લાવેલા એક થેલામાં તમામ પૈસા અને ઝવેરાત ભરીને તે બીજા રૂમમાં જાય છે જે રાજમહેલનું રસોડું હતું જ્યાં અનેક પ્રકારના ભોજન તૈયાર કરીને મૂકેલ હતા.ચોરે ભરપેટ ભોજન કર્યું.ખાધા પછી પૈસા અને ઝવેરાતથી ભરેલો થેલો લઇને બહાર નીકળે છે તે સમયે પેલા મહાત્માનો ઉપદેશ યાદ આવે છે કે જેનું અન્ન તમે ખાઓ છો તેનું ક્યારેય ખરાબ ન કરો.આટલું વિચારી પૈસા અને ઝવેરાતથી ભરેલો થેલો ત્યાં જ મુકીને ચોર ચાલ્યો જાય છે.રાજમહેલના દરવાજા ઉપર દરવાને ર્હંસી મજાકમાં પુછ્યું કે શું થયું? રાજમહેલમાં ચોકી કરવા આવ્યા હતા તે ચોરી કરી કે નહી? ત્યારે ચોર કહે છે કે જેનું અન્ન ખાધું હોય તેનું ક્યારેય ખરાબ ના થાય,મેં રાજમહેલનું અન્ન ખાધુ એટલે ચોરીનો માલ સાથે લાવ્યો નથી,રસોઇઘરમાં જ છોડીને આવ્યો છું.
રાજમહેલમાં ખબર પડતાં બૂમાબૂમ થાય છે કે પકડો..પકડો..ચોર ભાગી રહ્યો છે.પહેરેદારોએ ચોરને પકડીને બીજા દિવસે રાજદરબારમાં રાજા સમક્ષ હાજર કરવામાં આવે છે.સભામાં રાજાએ ચોરને પુછ્યું તો ચોરે કહ્યું કે હું આપના રાજમહેલમાં ચોરી કરવા માટે જ આવ્યો હતો પરંતુ રસ્તામાં એક સંત-મહાત્માનો સત્સંગ ચાલતો હતો તે સમયે બે શબ્દ સાંભળવા મળ્યા હતા કે “ક્યારેય જૂઠું ન બોલો અને જેનું અન્ન તમે ખાઓ છો તેનું ક્યારેય ખરાબ ન કરો.” આ ઉપદેશ અનુસાર આપના પહેરેદારોના પુછતાં મેં સાચું જ કહ્યું કે હું ચોર છું અને રાજમહેલમાં ચોરી કરવા માટે આવ્યો છું.રાજમહેલમાં પ્રવેશ કરીને પૈસા તથા ઝવેરાતની ચોરી કરી થેલામાં ભર્યા,ત્યારબાદ આપના રસોઇઘરમાં ભોજન આરોગ્યું.પછી મહાત્માના શબ્દો યાદ આવ્યા અને પૈસા અને ઝવેરાતનો થેલો રસોઇઘરમાં જ મુકીને નીકળી ગયો.ચોરના જવાબથી રાજા ઘણા ખુશ થયા અને ચોરને પોતાના રાજદરબારમાં નોકરી ઉપર રાખી લીધો.
ચોર બે દિવસ ઘેર ના આવ્યો તો તેના પિતાને ચિંતા થઇ કે મારો પૂત્ર ચોરી કરતાં પકડાઇ તો નહી ગયો હોય ! પરંતુ જ્યારે દિકરો ચાર દિવસ પછી ઘેર આવ્યો તો દિકરાએ સારા વસ્ત્રો પહેરેલા જોઇને પિતાને નવાઇ લાગી.દિકરો કહે છે કે બાપૂજી ! આપ તો કહેતા હતા કે ક્યારેય સંતો-મહાપુરૂષો અને ઋષિઓનો સત્સંગ સાંભળવો નહી પરંતુ જ્યારે હું રાજમહેલમાં ચોરી કરવા નીકળ્યો ત્યારે રસ્તામાં અનાયાસે મેં એક સંત-મહાત્માના મુખારવિંદથી સત્સંગની બે વાતો સાંભળી અને તે અનુસાર આચરણ કર્યું તો જુવો આ સત્યનું ફળ ! મને રાજમહેલમાં સારી નોકરી મળી.
સત્સંગથી મનનો મેલ દૂર થાય છે.ઉચ્ચ વિચાર,શુભ કર્મ અને કપટ રહિત વ્યવહાર ચરીત્ર નિર્માણનો મૂળ આધાર છે અને તેની પ્રગતિના માટે સત્સંગ ખૂબ જ જરૂરી છે.સત્સંગ-દાન-વિચાર અને સંતોષ આ બ્રહ્મપ્રાપ્તિનાં સાધન છે.સત્સંગ તથા આધ્યાત્મિક ઉ૫દેશોના માધ્યમથી સંસારમાંના દુષ્કર્મીઓને સુધારવાનો પ્રયાસ કરી શકાય છે.સંત મહાત્માઓના સત્સંગનો લાભ લેવો જોઇએ અને તેમની કલ્યાણકારી વાતોને આપણા જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરવો જોઇએ.જેમ પારસના સ્પર્શથી લોખંડ સોનું બની જાય છે તેમ દુષ્ટ ૫ણ સત્સંગ પામીને સુધરી જાય છે.
એક સમય હતો કે અજાણ્યા માણસો ૫ણ એકબીજાને મળતા ત્યારે ભગવાનનું નામ લઇને એકબીજાની ખબર અંતર પુછતા હતા ૫ણ હવે તો ભાષા ૫ણ કડવી બની છે તેનું કારણ એ છે કે જીવનમાંથી સત્સંગ ચાલ્યો ગયો છે.કામ, ક્રોધ મદ મોહ લોભ રાગ દ્રેષ આ બધાએ એવો ઉ૫દ્રવ મચાવ્યો છે કે મનુષ્યને સેવા,સુમિરણ,સત્સંગ કરવાનું મન થતું નથી.સત્સંગથી જ વાણીમાં મીઠાશ અને ૫રો૫કારની ભાવના જાગ્રત થાય છે.જેને જીજ્ઞાસા હોય એણે સત્સંગ જરૂર કરવો.જીજ્ઞાસાનો અર્થ થાય છે જાણવાની ઈચ્છા.જેણે ઈશ્વરનું સ્વરૂપ જાણવું હોય,આત્માનું સ્વરૂપ જાણવું હોય,ધર્મનું સ્વરૂપ જાણવું હોય,ગુઢ તત્વોને જાણવા હોય એણે સત્સંગ જરૂર કરવો.
સત્સંગ મોક્ષનું દ્વાર છે,સત્સંગથી વિષયોનું સ્મરણ છુટી જાય છે,સત્સંગથી જ ભગવાનમાં પ્રેમ ઉત્પન્ન થાય છે,સત્સંગ બધા અનર્થોનો નાશ કરે છે,સત્સંગથી જ ભગવાન સહજમાં વશ થાય છે,સત્સંગની તુલના બીજા કોઇ સાથે થતી નથી,સત્સંગથી નિશ્ચલ પ્રેમ ભક્તિ પ્રાપ્ત થાય છે,સંત મહાપુરૂષોના ચરણસ્પર્શ કરવાથી તીર્થો ૫ણ પવિત્ર થાય છે અને તેમની ચરણરજના સેવનથી તત્વજ્ઞાન પ્રાપ્ત થાય છે,સંત મહાપુરૂષોના દર્શન ખુબ જ કઠીનાઇથી થાય છે,સંત મહાપુરૂષો સંસારથી તરવાની નૌકા છે,પ્રભુ ૫રમાત્મા સંત મહાપુરૂષોના આધિન છે,સત્સંગ વિના વિવેક આવતો નથી અને રામની કૃપા વિના સત્સંગ સહેલાઇથી મળતો નથી, દુષ્ટો ૫ણ સત્સંગ પામીને સુધરી જાય છે, બુદ્ધિની જડતા દૂર કરવા,વિવેક ઉત્પન્ન કરવા જીવનમાં સુખ-શાંતિ, આનંદ પ્રાપ્ત કરવા માટે જીવનના લક્ષની પ્રાપ્તિ કરવા,પ્રભુ દર્શન કરવા, સંસારમાંની વેર ઇર્ષ્યા દ્વેષ ઘૃણાને દૂર કરવા અને તેની જગ્યાએ અહિંસા એકતા ભાતૃભાવ પ્રેમ ઉત્પન્ન કરવા સત્સંગ ૫રમ આવશ્યક છે,સત્સંગથી જ મનનો મેલ દૂર થાય છે,મનમાં જથ્થાબંધ થઇ રહેલા સંશય તથા ભ્રમોનો સમુદાય સદગુરૂના સત્સંગથી નષ્ટે થઇ જાય છે,સંતોના દર્શનમાત્રથી સૌ પાપો નષ્ટ થઇ જાય છે,મહાભાગ્ય હોય તો જ સત્સંગ પ્રાપ્ત થતો હોય છે જેના પ્રતાપે પરીશ્રમ વિના જ સંસારના ફેરા ટળી જાય છે,સંતજનોનો સંગ મોક્ષના માર્ગરૂ૫ છે અને કામીનો સંગ સંસારમાં બાંધનાર છે,સત્સંગનો અર્થ છે સત્યનો સંગ.સત્ય સ્વરૂ૫ ૫રમાત્માની સાથે સંગ કરવો.દરેક ક્ષેત્રમાં પ્રભુકૃપાની આવશ્યકતા છે જે સત્સંગ દ્વારા જ પ્રાપ્ત થાય છે.સત્ય બ્રહ્મ (૫રમાત્મા)ના પ્રત્યક્ષ દર્શન કરીને જ્યારે જ્ઞાનચર્ચા કરવામાં આવે તે જ સત્સંગ છે.સત્સંગ એ અંતિમ લક્ષ્ય છે.જેના માટે સત્ય (૫રમાત્મા)નું જ્ઞાન ૫રમ આવશ્યક છે. કુસંગનો સર્વથા ત્યાગ કરવો.ક્ષણભરના કુસંગથી મનમાં સૂતેલા શૈતાન જાગી જશે તો શું દશા થશે? સંસારમાં પ્રત્યેક વ્યક્તિ સુખ શાંતિ આનંદ ઇચ્છે છે.આ સુખ શાંતિ અને આનંદ વિષયોમાં નથી અને જો છે તો ક્ષણિક છે સ્થાઇ સુખ શાંતિ ફક્ત સત્સંગમાં જ છે.થોડા સમયનો સત્સંગ ૫ણ લાભકારી હોય છે.સત્સંગના સમાન દુનિયામાં કોઇ સુખ નથી.
જો એક ત્રાજવામાં સત્સંગરૂપી વચનામૃત અને બીજા ત્રાજવામાં સંસારના તમામ સાંસારીક શારીરિક સુખ તો ૫ણ સત્સંગનું ત્રાજવું ભારે જ રહે છે.મનુષ્યના જીવનમાં સહાયતાની આવશ્યકતા ૫ડે છે.સાચો સહાયક ૫રબ્રહ્મ ૫રમેશ્વર નિરાકાર પ્રભુ જ છે જે સદૈવ દયાળુ છે અને આ૫ણી સહાયતા કરતા રહે છે તેમની સાથે જોડાઇ રહેવા માટે સત્સંગની અતિ આવશ્યકતા છે.સત્સંગ આત્માનો ખોરાક છે.જેવી રીતે ખોરાક શરીરની ભૂખ શાંત કરે છે શક્તિ અને બળ આપે છે તેવી જ રીતે સત્સંગ સેવા સુમિરણ પૂજા અર્ચના આત્માની ભૂખ મટાડે છે.પાણી વલોવવાથી ભલે ઘી નીકળે,રેતી પિલવાથી ભલે તેલ નિકળે,સૂર્ય ભલે પૂર્વના બદલે ૫શ્ચિમમાં ઉગે,ફુલ જમીનના બદલે ભલે આકાશમાં ખિલે,કાચબાની પીઠ ઉપર ભલે વાળ ઉગે,વાંઝણીનો પૂત્ર ભલે યુદ્ધ જીતે..આ બધી અસંભવ વાતો ભલે સંભવ બને પરંતુ સત્સંગ વિના આ ભવસાગર તરવો અસંભવ છે આ અકાટ્ય સિદ્ધાંત છે.જે લોકો સેવા સુમિરણ સત્સંગ કરતા નથી તેમને લોક ૫રલોકમાં આનંદ મળતો નથી.નિયમિત સત્સંગરૂપી ઝાડું મનને લગાવવાથી મન અને વિચાર શુદ્ધ નિર્મલ રહે છે.સત+સંગ=સત્સંગ.સંતનો સમાગમ કરાવે તે સત્સંગ.
જે મા-બાપ સત્સંગી હોય છે,સેવા સુમિરણ સત્સંગ કરે છે તો તેમના ભક્તિના સંસ્કાર બાળકોમાં આવે છે.જો બાળકોને ભક્તિના રસ્તા પર લાવવા હોય તો પહેલાં મા-બાપે ભક્તિ કરવી જોઇએ.અનાદિકાળથી આ મન સંસારમાં ભટકતું આવ્યું છે,કુસંગથી મન બગડે છે,સત્સંગથી મન સુધરે છે.પ્રભુ પ્રેમમાં રંગાયેલા સંતોનો વારંવાર સત્સંગ મનને સુધારે છે.જો વ્યક્તિ પશ્ચાતાપ સાથે સેવા સુમિરણ સત્સંગ કરે તો ધીરેધીરે બુદ્ધિમાં પરિવર્તન થઇ શકે છે.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)

