New Delhi, તા.18
દેશભરમાં ઝડપથી વધી રહેલા ડિજીટલ એરેસ્ટના બનાવોને લઈને સુપ્રીમ કોર્ટે સખ્ત વલણ અપનાવ્યું છે. સુપ્રીમ કોર્ટે ખુદે આ મામલે માહિતી મેળવીને કેન્દ્ર સરકાર, સીબીઆઈ, હરિયાણા સરકાર અને અંબાલાના સાઈબર ક્રાઈમ વિભાગને નોટિસ પાઠવી છે.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે ન્યાયાધીશોના બોગસ હસ્તાક્ષરો સાથે ઈસ્યુ કરાયેલ બોગસ ન્યાયિક આદેશ ન્યાય પ્રણાલીમાં જનતાના વિશ્વાસના પાયાને હલબલાવી દે છે. આ કામ માત્ર કાયદાના શાસન પર હુમલો નથી, બલકે ન્યાયપાલિકાની ગરીમા પર પણ હુમલો છે.
સુપ્રીમ કોર્ટે આ કાર્યવાહી ત્યારે કરી જેમાં એક વરિષ્ઠ નાગરિક દંપતી પાસેથી ગત મહિને ડિજીટલ એરેસ્ટના સ્કેમથી તેમની જીવનભરની બચતની ઠગાઈ થઈ હતી. આ ગંભીર ઘટનાને ધ્યાનમાં લેતા સુપ્રીમકોર્ટે ખુદે જ આ મામલે જાણકારી મેળવી લીધી હતી.
સુપ્રીમ કોર્ટે હરિયાણા સરકાર અને અંબાલા સાઈબર ક્રાઈમના એસપીને અત્યાર સુધીની તપાસની સ્થિતિનો રિપોર્ટ દાખલ કરવાનું કહ્યું છે. કોર્ટે કહ્યું હતું કે સાઈબર અપરાધો પર સખ્ત પગલાં જરૂરી છે જેથી લોકોનો ડિજીટલ વ્યવસ્થા પર ભરોસો રહે.