Surendranagar,તા.26
બહુ ચર્ચિત ભુવા નવલસિંહ ચાવડાએ તાંત્રિક વિધિના નામે નીપજાવેલી હત્યાઓમાં વધુ ત્રણ હત્યાનો ઉમેરો થવા પામ્યો છે. સિરિયલ કિલર ભુવાએ સુરેન્દ્રનગરના દંપતી અને પુત્રીને તાંત્રિક વિધિ કરવાના બહાને બોલાવી સોડિયમ નાઈટ્રેટયુક્ત પાણી પીવડાવી મોતને ઘાટ ઉતારી દીધાનો વધુ એક બનાવ સામે આવ્યો છે. માર્ચ 2023માં આ ત્રણેય મૃતકોનો મૃતદેહ સુરેન્દ્રનગરની દુધરેજ કેનાલમાંથી મળી આવ્યો હતો. જે મામલે હવે સુરેન્દ્રનગર પોલીસમાં ટ્રિપલ મર્ડરનો ગુનો નોંધાયો છે.
અમદાવાદ ખાતે ડિઝાઇન સ્ટુડિયોમાં નોકરી કરતા ભાવિક દિપેશભાઈ પાટડીયા(ઉ.વ.26)એ સુરેન્દ્રનગર સીટી બી ડિવિઝન પોલિસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું અમદાવાદ ખાતે વર્ષ 2016થી રહું છું જયારે મારા પિતા દિપેશભાઈ, માતા પ્રફુલાબેન અને બહેન ઉત્સવી ત્રણેય અગાઉ વઢવાણ ખાતે શિયાણીની પોળ ખાતે રહેતા હતા. જે મકાન વેંચીને તેઓ પ્રથમ સુરેન્દ્રનગર ખાતે દાળમિલ રોડ પર હરીપ્રકાશનગરમાં રહેતા હતા અને ત્યારબાદ તે મકાન વેચીને જે.પી. શેરી નંબર-1 પાસે ભાડેથી રહેતા હતા. ફરિયાદીએ વધુમાં જણાવ્યું હતું કે, ગત તા. 09/03/2023ના રોજ સાંજના સાડા સાત વાગ્યાં આસપાસ માતાને ફોન કરતા તેમણે જણાવ્યું હતું કે, તેઓ ત્રણેય 80 ફૂટ રોડ પર સુરામામાના ઘરે જઈ રહ્યા છે અને ઘરે પરત આવીને ફોન કરીશું તેવું જણાવ્યું હતું.
બાદમાં બીજા દિવસે ફરિયાદીના માતાપિતાનો ફોન સ્વીચ ઓફ આવતા પોતાના જ મકાનમાં બીજા માળે ભાડેથી રહેતા કેતનભાઈને ફોન કર્યો હતો ત્યારે માતાપિતા અને બહેન ગઈકાલે સાંજથી ઘરે પરત નહિ આવ્યાનું કેતનભાઈએ જણાવ્યું હતું. ત્યારબાદ બપોરે બારેક વાગ્યાં આસપાસ પિતાના મિત્ર ધર્મેશભાઈ સોલંકીનો અને ત્યારબાદ દાદા કિશોરભાઈનો ફોન આવેલ હતો અને તાત્કાલિક સુરેન્દ્રનગર આવી જવા જણાવ્યું હતું. જે બાદ ફરિયાદી તાત્કાલિક સુરેન્દ્રનગર પહોંચ્યો હતો. જ્યાં બસ સ્ટેન્ડ ખાતે દાદાનો દીકરો ધવલ લેવા આવ્યો હતો અને ત્યાંથી મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે લઇ ગયો જ્યાં માતા-પિતા અને બહેનનો મૃતદેહ એમ્બયુલન્સમાં પડેલો જોવા મળ્યો હતો. જ્યાં જાણવા મળ્યું હતું કે, ત્રણેયનો મૃતદેહ દુધરેજ નજીક મૂળચંદ પાસેની નર્મદા કેનાલ ખાતેથી મળ્યો હતો.
પરિજનોના મોતનો મામલો શંકાસ્પદ જણાતા તેમજ કોઈ જ સુસાઇડ નોટ નહિ મળી આવતા ફરિયાદીએ રાજકોટ ખાતે પોસ્ટમોર્ટમ કરાવવા જણાવ્યું હતું. રાજકોટ ખાતે પોસ્ટમોર્ટમ થઇ જતાં ત્રણેયના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા હતા. બાદમાં ફરિયાદીએ ખરાઈ કરતા માતા અને બહેનના શરીરેથી સોનાના દાગીના મળી આવ્યા ન હતા. ઉપરાંત મોબાઈલ અને સ્પલેન્ડર વાહન પણ મળી આવ્યું ન હતું. બાદમાં સુરેન્દ્રનગરના દાળમીલ ખાતે આવેલ મકાન વેચાણ બદલે મળેલી રૂ. 6 લાખની રકમ તા. 14/11/2022 અને 21/11/2022ના રોજ ઉપાડી લેવાયાનું બેંક એન્ટ્રી મારફત જાણવા મળ્યું હતું.
બાદમાં તાજેતરમાં જ ભુવા નવલસિંહે કરેલી હત્યાઓ અંગે અહેવાલો સામે આવતા પિતાના બેંક એકાઉન્ટમાંથી ઉપડી ગયેલા રૂ. 6 લાખ, માતા અને બહેનના શરીર પરથી ગાયબ સોનાના દાગીના, સ્પલેન્ડર વાહન અને મોબાઈલ પણ તાંત્રિક વિધિના નામે ભુવાએ જ પડાવી લઇ સોડિયમ નાઈટ્રેટયુક્ત પાણી પીવડાવી પરિજનોને મોતને ઘાટ ઉતારી દીધાનું પાક્કું થઇ જતાં આ મામલે સુરેન્દ્રનગર સીટી બી ડિવિઝન પોલીસે ટ્રિપલ મર્ડરનો ગુનો નોંધ્યો છે.