Surendranagar,તા.18
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકા સહિત ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને પગલે સુરેન્દ્રનર શહેરનો ધોળીધજા ડેમ ઓવરફલો થતા તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા હતા અને નદીના પટમાં અવર-જવર ન કરવા પણ તાકીદ કરવામાં આવી હતી.
હવામાન વિભાની આગાહીને પગલે સુરેન્દ્રનગર જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે ત્યારે વઢવાણ તાલુકા તેમજ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે સુરેન્દ્રનગર શહેરી વિસ્તાર સહિત આસપાસના ગામોને પાણી પુરૃ પાડતો સૌરાષ્ટ્રનું પાણીયારુ તરીકે ઓળખાતો ધોળીધજા ડેમ ઓવરફલો થયો હતો અને ૦.૦૫ ફુટના લેવલથી ઓવરફલો થતાં તંત્ર સાબદુ બન્યું હતું. જ્યારે ધોળીધજા ડેમ ઓવરફલો થતાં ડેમના નીચાણવાળા વિસ્તારોમાં આવતા ભડીયાદ, જોરાવરનગર, ખમીસણા, નાના કેરાળા, રતનપર, સાંકળી, વઢવાણ, સુરેન્દ્રનગર, શિયાણી, નટવરગઢ, દોલતપર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં આવતા ગામોના લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવા અને સાવચેત રહેવા તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી હતી. જ્યારે ચોમાસાની સીઝનમાં વરસાદથી સૌપ્રથમ વખત ધોળીધજા ડેમ ઓવરફલો થતાં લોકો ડેમનો નજારો જોવા ઉમટી પડયા હતા. ઉલ્લેખનીય છે કે સોમવારે સાંજથી મંગળવાર સવાર ૬ વાગ્યા સુધીમાં વઢવાણમાં ૪૨ મીમી અને મંગળવારે સવારના ૬-૦૦ વાગ્યાથી બપોરના ૪-૦૦ સુધીમાં વઢવાણમાં ૫૭ મીમી વરસાદ ખાબક્યો હતો.