Jetpur,તા.01
રાજ્યના પ્રત્યેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજીક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા કડક સૂચના આપવામાં આવેલા ડીજીપી ના આદેશને પગલે જેતપુર ઉદ્યોગ નગર પોલીસ મથક વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતી શારદાબેન હમીર વેગડા અને રેખાબેન લલિત વેગડાના ઘરની બાતમીના આધારે ગેર કાયદે બનાવેલા મકાનો પર તંત્ર દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવતા અસામાજિક પ્રવૃત્તિ કરતા શખ્સોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા તેમજ અસામાજીક ગુંડા તત્વો પર કડકમાં કડક કાર્યવાહી કરી તેમની પર સદંતર અંકુશ મેળવવા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે આદેશ આપ્યો છે. વિકાસ સહાયે તમામ પોલીસ કમિશ્નર, રેન્જ વડા અને પોલીસ અધિક્ષક સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તાકીદની બેઠક યોજી હતી. જેમાં આગામી 100 કલાકની અંદર રાજ્યના પ્રત્યેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજીક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા કડક સૂચના આપવામાં આવી છે. આ અસામાજિક તત્વોની યાદીમાં કેવા તત્વોનો સમાવેશ કરવો તે અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. વારંવાર શરીર સંબંધી ગુનાઓમાં સંકળાયેલા વ્યક્તિઓ, ખંડણી ઉઘરાવવા, ધાક-ધમકી આપવાના ગુનાઓમાં સંડોવાયેલા વ્યક્તિઓ, મિલકત સામેના ગુનાઓ આચરનારા, પ્રોહિબિશન અને જુગારનો ગેરકાયદેસર ધંધો કરનારા તત્વો, ખનીજ ચોરી જેવા ગુનાઓમાં સંકળાયેલા તથા અન્ય અસામાજીક કૃત્યો દ્વારા જનતામાં ભય ફેલાવનારા તત્વોને આ યાદીમાં સમાવવા આદેશ કરાયા છે. જે અંતર્ગત જેતપુર ઉદ્યોગ નગર પોલીસ મથક વિસ્તારમાં રહેતી શારદાબેન હમીર વેગડા દ્વારા જેતપુર શહેરના પાદરના સામાં કાંઠે નરસંગ ટેકરી વિસ્તારમાં આવેલ અનતિકૃત દબાણ વાળો બંગલો અને ગોડાઉન બનાવવામાં આવ્યો હતો તેમ જ રેખાબેન લલિત વેગડા દ્વારા પણ અન અધિકૃત દબાણ વાળો બંગલો દૂર કરવા માટે મામલતદાર નગરપાલિકા અને પીજીવીસીએલની ટીમ દ્વારા ગેરકાયદે બાંધકામ તોડી પાડી કાયદેસરની કાર્યવાહી ભાગ ધરવામાં આવી હતી. શારદાબેન વેગડા સામે ધમકી મારામારી આપઘાતની ફરજ પાડવાની એટ્રોસિટી સહિત 10 ગુનામાં અને રેખાબેન વેગડા સામે ચોરી દારૂ સહિતના 36 ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકી છે.