આસુરી શકિત સામે દૈવીશક્તિના વિજયનું મહાપર્વ દિવાળી પર્વની ઉજવણીનો પ્રારંભ થઇ ગયો છે. વાક્બારસના લોકોએ માઁ સરસ્વતી પૂજન કર્યુ, આજે ધનતેરસ છે, આવતીકાલે કાળી ચૌદશ, સોમવારે દિવાળી પર્વ અનેરા ઉમંગ તથા ઉત્સાહ સાથે સર્વત્ર ઉજવાશે. મંગળવારના પડતર દિવસ છે. બુધવારે વિક્રમ સંવત ર08રના વર્ષનો પ્રારંભ અર્થાત નૂતન વર્ષ, બેસણું વર્ષ છે. ગુરૂવારે ભાઇબીજ તથા તા. ર6ના રવિવારે લાભપાંચમ ઉજવાશે.
દિવાળી પર્વની ઉજવણીમાં બજારોમાં નવી ખરીદી માટે લોકોની ભારે ભીડ જોવા મળે છે. લોકો પોતાના ઘરના આંગણે રંગોળી પૂરે છે. રાત્રે દીવડાઓ કરે છે અને ફટાકડા ફોડીને ઉત્સવની હૈયાના હેતથી ઉજવણી કરે છે.
આજે ધનતેરસ છે. ધનતેરસના લોકો ઘર, દુકાન કે ઓફિસને દિવાઓ અને રોશની વડે શણગારી અને આગળ રંગોળી કરવામાં આવે છે. આ દિવસે રંગોળીમાં લક્ષ્મીજીના પગલાની આકૃતિ ખાસ કરવામાં આવે છે આજે નવું ધાન, ખાસ તો સોનુ-ચાંદી ખરીદવું તે શુકનવંતુ ગણાય છે. ધનતેરસના દિવસે સમૃધ્ધિના દેવ કુબેરની પૂજા, મહાલક્ષ્મીજીની પૂજા, શ્રીમંત્ર, સોના-ચાંદીના સિકકાની પૂજા કરવામાં આવે છે.
આ દિવસને સમુદ્ર મંથનના ફળ સ્વરૂપે ધન્વંતરિ ઉત્પન્ન થયા હોવાથી ધન્વંતરિ ત્રયોદશી કે ધન્વંતરિ જયંતિ તરીકે ઓળખવામાં આવે છે. આજે આયુર્વેદના પ્રેકટીશ્નરો ભગવાન ધન્વંતરિનું પૂજન કરશે આજે માઁ સરસ્વતીની પણ પૂજા થાય છે. વ્યાપારી વર્ગનો સંબંધ જમા-ઉધારનો હિસાબ લખવાના ચોપડા સાથે છે. તેથી વેપારી વર્ગ ચોપડાનું પૂજન કરે છે. ધનતેરસના દિવસે નવા ચોપડા ખરીદીને તેનું પૂજન કરવામાં આવે છે.
કાળી ચૌદશ
આવતીકાલે કાળી ચૌદશ કે કાળરાત્રીની ઉજવણી કરાશે. તેને નરક ચતુર્દશી પણ કહેવાય છે. આ દિવસે યમરાજ, ભગવાન શ્રી કૃષ્ણ તથા હનુમાનજીની પૂજા કરવાનો પણ નિયમ છે. આ દિવસે ખીર અને વડા બનાવવાનો રિવાજ છે. સાંજે ગૃહિણીઓ કાણાવાળા વડા અને પુરી ઘર નજીકના ચાર રસ્તે મુકીને કકળાટ કાઢે છે.
સોમવારે દિવાળી પર્વ
તા.20મીના વિક્રમ સંવત ર081ના વર્ષનો અંતિમ દિવસ છે. દિવાળીમાં સાંજના પ્રદોષ કાળનું તથા રાત્રીના નિશીથ કાળનું મહત્વ હોય છે. આ દિવસે સમુદ્રમાંથી લક્ષ્મીજીનો પાદુર્ભાવ થયો હતો. શ્રી રામચંદ્ર ભગવાન રાવણને મારી વિજય મેળવી અને દિવાળીના દિવસે અયોધ્યા પરત પધાર્યા હતા ત્યારે અયોધ્યામાં ઘેર ઘેર રંગોળી અને દીવા પ્રગટાવવામાં આવ્યા હતા.
આ દિવસે શારદાપૂજન-લક્ષ્મીપૂજન ચોપડા પૂજન કરવામાં આવે છે. ઘેર ઘેર રંગોળી તથા દીવડા પ્રગટાવીને દિવાળી પર્વ ઉજવવામાં આવે છે. રાત્રે આતશબાજીનો નઝારો જોવા મળે છે.
પડતર દિવસ
તા.21મીના મંગળવારે તિથિ ભેદના કારણે પડતર દિવસ છે.
બુધવારે નૂતન વર્ષ
તા. 22મીના વિક્રમ સંવત 2082ના વર્ષનો પ્રથમ દિવસ છે. નૂતન વર્ષના વધામણા લોકો અનેરા ઉલ્લાસ સાથે કરશે. એકબીજાને નૂતન વર્ષની શુભેચ્છા પાઠવશે. સ્નેહ મિલનના કાર્યક્રમો યોજાશે. મંદિરોમાં અન્નકૂટ ઉત્સવ ઉજવાશે. દિવાળીના દિવસોમાં લોકો નવા વસ્ત્રો ધારણ કરશે.
તા.23મીના ભાઇબીજ તથા તા.26મીના રવિવારે લાભ પાંચમ સાથે દિવાળી પર્વની ઉજવણી પૂર્ણ થશે