Mumbai,તા.21
T20 વર્લ્ડ કપ 2026 માં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેના હાઈ-વોલ્ટેજ સુપર-8 મુકાબલા પહેલા બોલિંગ કોચ મોર્ને મોર્કલે ઓપનર અભિષેક શર્માનો બચાવ કર્યો છે. મોર્કલે રવિવારે જણાવ્યું હતું કે, આ પ્રતિભાશાળી બેટરના ખરાબ ફોર્મ અંગે ટીમમાં કોઈ નકારાત્મક ચર્ચા નથી અને તેને લયમાં આવવા માટે માત્ર એક સારી ઈનિંગની જરૂર છે.
જોકે, બોલિંગ કોચ એ વાત સાથે પણ સંમત થયા હતા કે, ટૂર્નામેન્ટના અંતિમ અને નિર્ણાયક તબક્કે ઓપનિંગ જોડીનું ફોર્મમાં આવવું ટીમ ઈન્ડિયા માટે અત્યંત જરૂરી છે. ભારતની સુપર-8 ની સફર દક્ષિણ આફ્રિકા સામેની મેચથી શરૂ થઈ રહી છે, જ્યાં ચાહકોને આશા છે કે ગૌતમ ગંભીરની ટિપ્સ અભિષેક શર્મા માટે કારગર સાબિત થશે.
અભિષેક શર્મા માટે આ વર્લ્ડ કપ અત્યાર સુધી નિરાશાજનક રહ્યો છે. તે વર્તમાન એડિશનમાં હજુ સુધી પોતાનું ખાતું પણ ખોલી શક્યો નથી. જોકે, શુક્રવારના ટ્રેનિંગ સેશન દરમિયાન તે હેડ કોચ ગૌતમ ગંભીર સાથે લાંબો સમય વિતાવતો જોવા મળ્યો હતો. ગંભીર તેને બેટિંગની કેટલીક ટેકનિકલ બારીકીઓ સમજાવી રહ્યા હતા અને અભિષેક એક મહેનતુ વિદ્યાર્થીની જેમ તેમની સૂચનાઓ સાંભળી રહ્યો હતો.જ્યારે મોર્કલને પૂછવામાં આવ્યું કે શું ટીમ મેનેજમેન્ટમાં અભિષેકના ફોર્મ વિશે કોઈ ચિંતા છે, ત્યારે તેમણે સ્પષ્ટ રીતે વાતને નકારતા જણાવ્યું કે, “ટીમમાં આ બાબતે બિલકુલ કોઈ ચર્ચા નથી. તે એક વર્લ્ડ ક્લાસ ખેલાડી છે. અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં સદનસીબે અન્ય ખેલાડીઓ અભિષેકની જગ્યાએ જવાબદારી નિભાવી રહ્યા છે અને રન બનાવી રહ્યા છે, પરંતુ હવે આપણે વર્લ્ડ કપના ખૂબ જ મહત્વના તબક્કે પહોંચ્યા છીએ. અમને આશા છે કે તે સુપર-8 માં શાનદાર પ્રદર્શન કરશે.”

