New Delhi,તા.26
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. આજે મેચનો છેલ્લો દિવસ હતો ત્યારે ભારત સામે 549 રનનું લક્ષ્ય હતું. જેને ચેઝ કરવામાં જ ટીમ ઈન્ડિયાનો ધબડકો થઇ ગયો હતો. 5મા દિવસની રમતની શરૂઆત થતાં જ ઉપરા છાપરી વિકેટો પડી જતાં ટીમ ઈન્ડિયા ધરાશાયી થઈ ગઇ હતી અને 140 રનમાં જ ઓલઆઉટ થઈ જતાં 408 રને હાર સાથે શ્રેણી પણ ગુમાવી દીધી હતી. ટીમ ઈન્ડિયાનો વ્હાઈટ વોશ કરવામાં દ.આફ્રિકા સફળ રહી હતી. આ સાથે ભારતે દ.આફ્રિકા સામે 2-0થી શ્રેણી ગુમાવી દીધી છે. પ્રથમ ટેસ્ટમાં પણ ભારત 30 રને હાર્યું હતું અને બીજી ટેસ્ટમાં પણ 408 રને કારમા પરાજયનો સ્વાદ ચાખ્યો હતો. ઘરઆંગણે આ ટીમ ઈન્ડિયાની સૌથી શરમજનક હાર છે.
પહેલી ઈનિંગમાં દક્ષિણ આફ્રિકાએ 489 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમ 201 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ત્યારે દ.આફ્રિકાએ બીજી ઇનિંગમાં 206/5 પર દાવ ડીક્લેર કરીને ટીમ ઈન્ડિયાને 549 રનનું વિશાળ લક્ષ્ય આપ્યું હતું. જેના જવાબમાં ટીમ ઈન્ડિયા 140 રનમાં ધરાશાયી થઈ ગઇ હતી. જાડેજા સિવાય કોઈ બેટર દ.આફ્રિકાના બોલર્સ સામે ટકવામાં સફળ રહ્યો નહોતો.
એકમાત્ર જાડેજાએ લડાયક બેટિંગ કરતાં તે પણ 54 રને આઉટ થઇ જતાં ટીમ ઈન્ડિયાનું પતન થયુંં. બીજી ઇનિંગમાં 140 રનમાં સમેટાઇ જતાં દ.આફ્રિકાનો 408 રને વિજય થયો હતો. ટીમ ઈન્ડિયાનો આ શરમજનક પરાજય હતો. ટીમ ઈન્ડિયાને સાતમો ઝટકો વોશિંગ્ટન સુંદરના રૂપમાં લાગ્યો હતો. જે 14 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. તેના બાદ બેક ટુ બેક નીતિશ રેડ્ડી પણ હાર્મરનો શિકાર બની જતાં 0 રન પર આઉટ થઇ ગયો હતો. એકમાત્ર રવીન્દ્ર જાડેજાએ લડાયક બેટિંગ કરતાં 54 રન બનાવ્યા હતા.
ટીમ ઈન્ડિયા ધીમે ધીમે પરાજય તરફ આગળ ધપી રહી હતી. સાંઈ સુદર્શન પણ 139 બોલમાં 14 રન બનાવીને આઉટ થઈ જતાં ટીમ ઈન્ડિયાને છઠ્ઠો ઝટકો લાગ્યો હતો. આ સાથે હવે ક્રીઝ પર વોશિંગ્ટન સુંદર અને જાડેજાએ કમાન સંભાળી હતી.
2000ની વાત કરીએ હેન્સી ક્રોનિએના નેતૃત્વમાં સાઉથ આફ્રિકાએ ભારતને 2-0થી ઘરેલુ ટેસ્ટ શ્રેણીમાં વ્હાઇટવોશ કર્યું હતું. ત્યારે પહેલી મેચ મુંબઈમાં રમાઈ હતી જે આફ્રિકન ટીમ 4 વિકેટે તો બીજી ટેસ્ટ બેંગ્લુરુમાં રમાઈ હતી ત્યારે એક ઈનિંગ અને 71 રને મેચ જીતી હતી. હવે ટેમ્બા બાવુમાએ હેન્સી ક્રોનિએના રેકોર્ડની બરાબરી કરી લીધી છે અને આ સાથે 25 વર્ષ બાદ ફરી એકવાર ટીમ ઈન્ડિયાનું વ્હાઈટ વૉશ કરવામાં ટીમ સફળ રહી છે. ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં ત્યારે મૂકાઈ હતી જ્યારે રિષભ પંત પણ 13 રન બનાવીને હાર્મરનો શિકાર થયો હતો. આ સાથે ટીમ ઈન્ડિયાનો સ્કોર 60/5 થઇ ગયો હતો.
ભારતની બીજી ઈનિંગ્સમાં પણ શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ઓપનર યશસ્વી જાયસ્વાલ માત્ર 13 રન બનાવીને સસ્તામાં આઉટ થઈ ગયા હતા. માર્કો યાનસનના બોલ પર વિકેટકીપર કાઈલ વેરેને તેમનો કેચ પકડ્યો હતો. થોડા સમય બાદ, કેએલ રાહુલ પણ 6 રનના સ્કોર પર સાયમન હાર્મરના બોલ પર બોલ્ડ થઈ ગયા હતા. પાંચમા દિવસની રમત જ્યારે શરૂ થઈ ત્યારે ભારતનો સ્કોર 27/2 હતો. દિવસની શરૂઆત પણ ખરાબ રહી અને સ્કોરબોર્ડમાં માત્ર 13 રન જ ઉમેરાયા હતા ત્યાં કુલદીપ યાદવ 5 રન બનાવીને સાયમન હાર્મરના બોલ પર બોલ્ડ થઈ ગયા. એ જ ઓવરમાં (24મી ઓવર) ધ્રુવ જુરેલ પણ આઉટ થઈ ગયા હતા. ત્યારબાદ, કેપ્ટન ઋષભ પંતે થોડો આક્રમક મિજાજ બતાવ્યો અને એક ચોગ્ગો તથા એક છગ્ગો ફટકારીને ટીમનો સ્કોર 58 સુધી પહોંચાડ્યો. જોકે, તે પણ 13 રનના અંગત સ્કોર પર હાર્મરના બોલ પર મળેલા એક્સ્ટ્રા બાઉન્સના કારણે એડન માર્કરમને કેચ આપી બેઠા હતા.

