નવી દિલ્હી, તા.૩૦
કેશ કાંડમાં ફસાયેલા ન્યાયાધીશ યશવંત વર્માએ પોતાની વિરુદ્ધ તપાસ કરી રહેલી ઈન હાઈસ કમિટીની પ્રક્રિયા અને તેમને પદ પરથી હટાવવાની ભારતના મુખ્ય ન્યાયાધીશની ભલામણ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, ત્યારે સુપ્રીમ કોર્ટે આ અરજીની સુનાવણી હાથ ધરી વર્માની આકરી ઝાટકણી કાઢી છે. કોર્ટે યશવંત વર્માનું આચરણ વિશ્વનીય ન હોવાનું કહી તેમને આકરા પ્રશ્નો પૂછ્યા છે. કમિટીએ રિપોર્ટમાં વર્માને કદાચારા દોષિત ઠેરવ્યા છે. કોર્ટે વર્માને પૂછ્યું કે, તેઓ કમિટી સમક્ષ હાજર કેમ થયા અને સમિતિ સમક્ષ પડકાર કેમ ન ફેંક્યો? કોર્ટે વર્માને કહ્યું કે, તેમણે સમિતિની રિપોર્ટ વિરુદ્ધ જતા પહેલા જ સુપ્રીમ કોર્ટમાં આવવાની જરૂર હતી. ન્યાયાધીશ દીપાંકર દત્તા અને ન્યાયાધીશ એ.જી.મસીહની બેંચે કહ્યું કે, જો ભારતના મુખ્ય ન્યાયાધીશ સમક્ષ એવું માનવાનો કોઈ દસ્તાવેજ છે કે, કોઈ ન્યાયાધીશને કદાચાર દોષિત ઠેરવાયા છે, તો તેઓ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને સૂચિત કરી શકે છે. બેંચે કહ્યું કે, કેસમાં આગળ વધવું છે કે નહીં, તે રાજકીય નિર્ણયથી નક્કી કરવામાં આવશે, પરંતુ ન્યાયપાલિકાને પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું હોવાનો સમાજને સંદેશ આપવો છે.
યશવંત વર્માના વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે, કમિટીએ તેમને હટાવવાની કરેલી ભલામણ ગેરબંધારણીય છે. આવા પ્રકારની કાર્યવાહીની ભલામણ કરવાથી સમાજમાં અયોગ્ય સંદેશ જઈ શકે છે. વર્માએ પહેલા કોર્ટમાં અરજી એટલા માટે કરી ન હતી, કારણ કે ટેપ જાહેર થઈ ગયું હતું અને તેમની છબિ પણ ખરાબ થઈ ગઈ હતી. કોર્ટે વર્મા વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવાની વિનંતી કરનારા વકીલ મેથ્યૂજ જે.નેદુમ્પરાને પણ પ્રશ્નો પૂછ્યા છે. સુનાવણી દરમિયાન ન્યાયાધીશ દત્તાએ નેદુમ્પરાને પૂછ્યું કે, શું તેમણે એફઆઈઆર નોંધાવવાની વિનંતી કર્યા પહેલા પોલીસને ઔપચારિક ફરિયાદ કરી છે? સુપ્રીમ કોર્ટે વર્માની અરજી પરનો નિર્ણય અને એફઆઈઆર નોંધાવવા મામલે નેદુમ્પરાએ કરેલી અરજી પરનો આદેશ પણ સુરક્ષિત રાખ્યો છે. મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાએ આઠમી મેના રોજ વર્માને હટાવવા ભલામણ અને વર્મા વિરુદ્ધ સંસદમાં મહાભિયોગની કાર્યવાહી શરૂ કરવાનો આગ્રહ કર્યો હતો, ત્યારે વર્માએ ભલામણ રદ કરવા વિનંતી કરી છે.