પહેલા દિવસે માત્ર ૧.૪૦ લાખની કમાણી; ગુરુગ્રામ-નોઈડામાં ૨૫થી પણ ઓછી ટિકિટ વેચાઈ
Mumbai, તા.૮
યશ સ્ટારર ફિલ્મ ‘ટોક્સિક’નાં અંગ્રેજી વર્ઝનને ભારતમાં અત્યંત નિરાશાજનક પ્રતિસાદ મળ્યો છે. ફિલ્મનું અંગ્રેજી વર્ઝન ૪ સપ્ટેમ્બરે દેશનાં થિએટર્સમાં રિલીઝ થયું હતું. જોકે, પહેલા જ દિવસે સમગ્ર ભારતમાં તેની માત્ર ૪૫૦ જેટલી ટિકિટ વેચાઈ અને ફિલ્મે આશરે ૧.૪૦ લાખનું જ કલેક્શન કર્યું હતું.‘ટોક્સિક’નું ઓરિજિનલ કન્નડ વર્ઝન તેમજ હિન્દી, તમિલ, તેલુગુ અને મલયાલમ ડબ્ડ વર્ઝન ૨૬ ઓગસ્ટે રિલીઝ થઈ ચૂક્યાં હતાં. ફિલ્મને મળેલા નબળા વર્ડ ઑફ માઉથ ઉપરાંત ‘હનુમાન અંશ’ અને ‘મિર્ઝાપુરઃ ધ મૂવી’ જેવી ફિલ્મોની સ્પર્ધાને કારણે અંગ્રેજી વર્ઝનને પણ ભારે અસર થઈ છે.અંગ્રેજી વર્ઝનને ભારતમાં માત્ર ચાર શહેર—મુંબઈ, બેંગલુરુ, ગુરુગ્રામ અને નોઈડામાં કુલ ૧૧ શો જ મળ્યા હતા. આ પૈકી મુંબઈ અને બેંગલુરુમાં દર્શકોની હાજરી પ્રમાણમાં સારી રહી, જ્યારે ગુરુગ્રામ અને નોઈડામાં ૨૫થી પણ ઓછી ટિકિટ વેચાઈ હતી.ફિલ્મની વર્તમાન સ્થિતિ જોતાં ૫ સપ્ટેમ્બર શનિવાર અને ૬ સપ્ટેમ્બર રવિવારે પણ તેના શો અને સ્ક્રીનિંગમાં ઘટાડો થવાની શક્યતા છે. આ જ સ્થિતિ રહી તો ‘ટોક્સિક’નાં અંગ્રેજી વર્ઝનનું લાઇફટાઇમ કલેક્શન ૧૦ લાખ સુધી પહોંચશે કે કેમ તે પણ સવાલ છે.દરમિયાન, ૪ સપ્ટેમ્બરે ‘ટોક્સિક’નાં તમામ ભાષાના વર્ઝને મળીને આશરે ૧.૫૦થી ૧.૬૦ કરોડનું કલેક્શન કર્યું હોવાનું પ્રાથમિક અનુમાન છે. તેમાં કન્નડ વર્ઝનનું યોગદાન આશરે ૭૫થી ૮૦ લાખ અને હિન્દી વર્ઝનનું ૭૦થી ૭૫ લાખ રહ્યું છે.‘ટોક્સિક’ના હિન્દી વર્ઝનનું એક્સટેન્ડેડ પ્રથમ સપ્તાહનું કુલ કલેક્શન હવે ૧૩૦.૦૯ કરોડ થયું છે. ૩ સપ્ટેમ્બર ગુરુવારની ૨.૫૪ કરોડની કમાણીની સરખામણીમાં ૪ સપ્ટેમ્બરના કલેક્શનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. હવે જોવાનું એ રહેશે કે ફિલ્મનું હિન્દી વર્ઝન ૧૫૦ કરોડનો આંકડો પાર કરી શકે છે કે નહીં.

