Surat,તા,25
અમદાવાદમાં શુક્રવારે (27 જૂન) ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળશે. જોકે, આ દિવસે ભારતભરમાં નાની-મોટી અનેક રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. એવામાં સુરતમાં પણ અષાઢી બીજના દિવસે એક-બે નહીં પરંતુ સાત રથયાત્રા નીકળે છે. પરંતુ, એક જગન્નાથ ભગવાનની એક રથયાત્રા એવી છે, જે અષાઢી બીજે નહીં પરંતુ તેના બે દિવસ બાદ નીકળે છે.સુરતના વેસુ વિસ્તાર ખાતે આવેલા ઈસ્કોન મંદિરની રથયાત્રા અષાઢી બીજના ત્રીજા કે ચોથા દિવસે નીકળે છે તેનું મુખ્ય કારણ એ હોય છે કે જે ભક્તો મુખ્ય યાત્રામાં ભગવાનના દર્શન નથી કરી શકતા કે તેનો લ્હાવો નથી લઈ શકતા તે લોકો આ રથયાત્રામાં ભગવાનના દર્શન કરે.વેસુ ખાતે આવેલા ઈસ્કોન મંદિરની રથયાત્રા આગામી 29 જૂન એટલે કે રવિવારના રોજ નીકળશે. આ રથયાત્રામાં મુખ્ય આકર્ષણ હોય છે કે, ભગવાનના ભક્તો જ તેમના વસ્ત્રો બનાવે છે અને ડિઝાઇન કરે છે. આ સાથે જ રથ રંગવાનું અને આકાર આપવાનું કામ પણ ભક્તો દ્વારા કરવામાં આવે છે. ભગવાન જગન્નાથની આ રથયાત્રા વેસુ વિસ્તારના અલગ અલગ સોસાયટીઓ સહિત એપાર્ટમેન્ટોમાં જાય છે એટલે કે ભગવાન જાતે લોકોને દર્શન આપવા માટે તેઓના ઘર આંગણા સુધી જાય છે. આ રથયાત્રામાં હજાર કરતાં વધુ લોકો જોડાય છે અને 800 થી હજાર કિલોનો પ્રસાદ બને છે જે ભક્તોને વહેંચવામાં આવે છે. આ રથયાત્રા અન્ય રથયાત્રા કરતા અલગ હોય છે કારણ કે તે અષાઢી બીજના દિવસે નહીં પરંતુ તેના બે દિવસ બાદ નીકળતી હોય છે.આ સિવાય સુરતમાં છ અન્ય જગ્યાએથી રથયાત્રાઓ નીકળે છે. જેમાં સૌથી મોટી જહાંગીરપુરા ખાતે આવેલા ઈસ્કોન મંદિરની 21 કિલોમીટર લાંબી અને ત્યારબાદ વરાછા ઈસ્કોન મંદિર ખાતેથી નીકળતી રથયાત્રા હોય છે. જ્યારે સૌથી જૂની રથયાત્રા લંકા વિજય હનુમાન મંદિર ખાતેથી નીકળે છે. જોકે, ભેસ્તાન, પાંડેસરા અને સચિન ખાતેથી પણ રથયાત્રા કાઢવામાં આવે છે. આ રથયાત્રાઓમાં ભક્તોને ભગવાનની અલગ અલગ ઝાંખીઓના દર્શન થાય છે.