Rajkot, તા.11
સ્ટેટ મોનીટરીંગ સેલે સુરતની કડોદરા ચોકડી નજીક નેશનલ હાઇવે નં-48 પાસે વોચ ગોઠવી થર્ટીફસ્ટની ઉજવણી માટે રાજકોટ આવતો 32000 બોટલ દારૂ ઝડપી લીધો હતો. દમણથી દારૂ લવાયો હતો, વાપીથી બે ટ્રકમાં ભરાયો હતો. દારૂનો જથ્થો મંગાવનાર રાજકોટના શખ્સની ઓળખ કરી ઝડપી લેવા તજવીજ કરાઈ છે.
પોલીસ સૂત્રોએ આપેલી વિગત અનુસાર, સ્ટેટ મોનીટરીંગ સેલની કડક કાર્યવાહીથી ગુજરાત ભરમાં ગુનેગારો થરથર ધ્રુજે છે. ત્યારે ડીજીપી વિકાસ સહાયની સૂચનાથી સ્ટેટ મોનીટરીંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાય, ડીવાયએસપી કે. ટી. કામરીયાના માર્ગદર્શન હેઠળ એસએમસીના પોલીસ અધિકારીઓ – કર્મચારીઓ સતત કાર્યવાહીમાં એક્ટિવ છે. ગઈકાલે પીઆઇ સી. એચ. પનારા અને તેમની ટીમને બાતમી મળી હતી કે, વાપી ખાતેથી બે ટ્રકમાં દારૂ ભરી રાજકોટ તરફ જવા રવાના થયેલ છે. બંને ટ્રકમાં એક આરોપીએ માલ ભરી દીધો છે.
એક ટ્રકનાં નંબર જીજે 19- વાય -7993 છે અને બીજા ટ્રકનાં નંબર જીજે -19- વાય -2348 છે. જેથી એસએમસી ટીમ દ્વારા રેઈડનું આયોજન કરાયું હતું. પીઆઇ પનારા, સાથે હેડ કોન્સ્ટેબલ પ્રતાપકુમાર કાળુભાઈ, ભરતસિંહ જોરૂભા, નિખિલેશભાઈ ભાનુપ્રસાદ સહિતની ટીમે સુરત નજીક કડોદરા ચોકડી નેશનલ હાઇવે નં-48 પાસે આવેલ અને નેશનલ હાઇવે નં-48 વોચ ગોઠવી પેટ્રોલિંગ શરૂ કર્યું હતું. દરમ્યાન હાઇવે પર મહાદેવ કાઠિયાવાડી હોટલ પાસે બાતમી વાળો પ્રથમ ટ્રક નીકળતા તેને અટકાવી ચાલક વિવેકકુમારની ધરપકડ કરી હતી.
આ આરોપીએ બીજા ટ્રક વિશે જણાવેલ કે, બીજા ટ્રકમાં ચાલક અનિલ યાદવ હતો. અમે વાપીથી ટ્રકમાં દારૂ ભરી નીકળ્યા ત્યારે આ ટ્રક મારાથી 5-7 કિમિ આગળ હતો. પણ અમે અહીં મહાદેવ કાઠિયાવાડી હોટલ ખાતે ચા નાસતો કરવા ઉભા રહેવાનું નક્કી કર્યું હતું. જેથી એસએમસી ટીમે હોટલના પાર્કિંગમાં તપાસ કરતા બીજો ટ્રક પણ ત્યાં પાર્ક કરેલ મળેલો હતો. પણ તેનો ચાલક મળી આવ્યો નહોતો.
બંને ટ્રકમાં ક્ધટેનર હોય ખોલીને જોતા દારૂ-બિયરનો જથ્થો ભરેલ જોવા મળતા બંને ટ્રક કામરેજ પોલીસ મથકે લાવી ગણતરી કરતા 32916 દારૂની બોટલો અને બિયરના ટીન મળી આવ્યા હતા. આરોપીની પુછપરછનાં દારૂનો જથ્થો વાપીથી રાજકોટ પહોંચાડવાનો હતો. રાજકોટ પહોંચી સપ્લાયરને ફોન કરવાનો હતો ત્યારબાદ સપ્લાયર કહે તે વ્યક્તિ અને તે સ્થળે રાજકોટમાં દારૂ ઉતારવાનો હતો.
દારૂ સપ્લાય કરનાર, દારૂ મંગાવનાર, ટ્રકના માલીક નાસી ગયેલ ચાલકની શોધખોળ હાથ ધરી છે. પોતાના આર્થિક ફાયદા માટે એકબીજાની મદદગારી કરી દારૂના જથ્થાની વાહનમાં હેરફેર કરતા તમામ આરોપીઓ સામે કામરેજ પોલીસ મથક ખાતે ગુજરાત નશાબંધી અધિનિયમ 1949 તથા ગુજરાત નશાબંધી (સુધારા) અધિનિયમ 2016ની કલમ 65(એ) (ઈ), 81, 98(2), 116(બી) મુજબ કાયદેસર ફરીયાદ દાખલ કરાઈ છે. વધુ તપાસ હાથ ધરી જે જે આરોપીઓના નામ ખુલ્યા છે તેની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કરાયાં છે.
આટલા આરોપીઓ સામે નોંધાયો ગુનો
સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે આરોપી ટ્રક ડ્રાઇવર (1) વિવેકકૂમાર શ્યામસુંદર યાદવ (ઉ.વ 29 ધંધો. ડ્રાઇવીંગ રહે- જગદિશપૂર ગામ તા- હંડિયા જી- પ્રયાગરાજ, ઉત્તર પ્રદેશ)ને ઝડપી લઈ ધરપકડ કરી હતી. તેણી પુછપરછમાં દારૂનો જથ્થો ભરી આપનાર આરોપી (2) માણેક પટેલનું નામ આપ્યું હતું. ઉપરાંત માણેક પટેલનો સંપર્ક કરાવનાર (3) રવિન્દ્ર રાજપૂત તેમજ જેણે દારૂનો જથ્થો મંગાવ્યો હતો.
તે આરોપી (4) રાજકોટનો અજાણ્યો શખ્સ, આરોપી (5) ટાટા ટ્રક રજીસ્ટર નંબર જીજે -19 -વાય -7993નો મુળ માલીક, આરોપી (6) ટાટા ટ્રક નંબર જીજે -19- વાય -2348 નો મુળ માલીક અને આરોપી (7) ટાટા ટ્રક નંબર જીજે -19- વાય -2348 નો નાસી જનાર ચાલક અનિલ યાદવ આમ કુલ 7 આરોપી સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
1.27 કરોડનો પકડાયેલ મુદ્દામાલ
બે ટ્રકમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાની નાની મોટી બોટલ તથા બીયર ટીન મળી કુલ 32,916 નંગ થયાં હતા. જેની કિંમત રૂ.77,00,916 થાય છે. ઉપરાંત આરોપી પાસેથી રૂ. 5000નો મોબાઈલ ફોન, રૂ. 2850ની રોકડ, 50 લાખની કિંમતનાં બે ટ્રક મળી રૂ.1,27,08,366 નો મુદ્દામાલ એસએમસીની ટીમે જપ્ત કર્યો હતો.