New Delhi,તા.15
દેશમાં શૈક્ષણિક સંસ્થાઓ અને એરપોર્ટ સહિતના સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની મળી રહેલી ધમકીઓ વચ્ચે આજે મુંબઈ શેરબજારમાં પણ આરડીએકસ સાથેના ચાર અતિ શક્તિશાળી વિસ્ફોટકો ગોઠવાયા છે અને બપોરે ત્રણ વાગ્યે તેનો વિસ્ફોટ થશે તેવી ધમકી ભરેલો ઈમેઈલ મળતા જ સમગ્ર સ્ટોક એકસચેંજ સંકુલની તલાશી લેવામાં આવી રહી છે.
હજુ સુધી કોઈ વાંધાજનક પદાર્થ મળ્યા નથી. આજે સવારે આ અંગેનો એક ઈમેઈલ કોમરેડ પિનારાઈ વિજયનના નામથી મોકલાયો હતો. આ નામ એ કેરળના મુખ્યમંત્રીના નામ સાથે સામ્યતા ધરાવે છે. આ પ્રકારનો ધમકીભર્યો ઈમેઈલ મળ્યા બાદ સમગ્ર એકસચેંજનો વિસ્તાર પોલીસે ચકાસી લીધો હતો.
રવિવારે જ આ ઈમેઈલ પાઠવવામાં આવ્યો હતો.પરંતુ તે સમયે એકસચેંજમાં રજા હોવાથી સોમવારે તે અંગે જાણ થઈ હતી અને બાદમાં પોલીસને જાણ કરાઈ હતી. હજુ બે દિવસ પહેલા જ અમૃતસરના સુવર્ણ મંદિરને પણ આ જ પ્રકારે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી તેમાં પણ તે પોકળ પુરવાર થઈ હતી.
બીજી તરફ આજે દિલ્હીમાં પણ બોમ્બની ધમકીનો સિલસિલો ચાલુ રહ્યો છે અને અહીની સેન્ટ સ્ટીફન કોલેજ તથા સેન્ટ થોમસ સ્કુલને પણ આ રીતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ તપાસ કરવામાં આવી હતી.
દિલ્હી પોલીસે આ પ્રકારે અવારનવાર ધમકી મળતી હોવાથી તેની બોમ્બ વિરોધી સ્કવોડને હાઈએલર્ટ પર જ રાખી છે અને અત્યાર સુધીમાં તેમાં હજુ સુધી કંઈ મળ્યુ નથી.