Vadodara,તા.24
વડોદરામાં સતત બીજા દિવસે શાળાને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે. મંગળવારે (24 જૂન) રિફાઇનરી ગુજરાત બોર્ડ સ્કૂલને બોમ્બથી ઉડાડી દેવાનો ધમકીભર્યો મેઇલ મોકલવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં પોલીસ, બોમ્બ સ્ક્વૉડ, ડૉગ સ્ક્વૉડ સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને શાળામાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.મળતી માહિતી મુજબ, શાળાના પ્રિન્સિપાલના મેઇલ આઈડી પર આ ધમકી મળી હતી. જેમાં લખ્યું હતું કે, ‘સ્કૂલમાં બોમ્બ મુકાયો છે, આ બોમ્બ ફાટશે’. આ મુદ્દે માહિતી મળતાવી સાથે જ પોલીસ સહિત બોમ્બ સ્ક્વૉડની ટીમે તપાસ હાથ ધરી છે અને તમામ વિદ્યાર્થીઓને તાત્કાલિક ધોરણે શાળામાંથી રજા આપી દેવાઈ છે.
નોંધનીય છે કે, સોમવારે (23 જૂન) પણ વડોદરાની અન્ય એક શાળા નવરચના સ્કૂલને પણ આવી જ ધમકી આપવામાં આવી હતી. પોલીસે શાળામાં આશરે સાડા ત્રણ કલાક સુધી તપાસ હાથ ધરી હતી. બોમ્બ સ્ક્વૉડ અને ડૉગ સ્ક્વૉડની મદદથી કરવામાં આવેલી તપાસના અંતે કોઈપણ શંકાસ્પદ વસ્તુ નહતી મળી.
શાળા તરફથી વાલીને જાણ કરવામાં આવી હતી કે, થોડા સમય પહેલાં શાળાને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીભર્યો ઈ-મેલ મળ્યો હતો. આ માહિતી કદાચ ખોટી હોય શકે છે પરંતુ અમે કોઈ જોખમ લેવા નથી ઈચ્છતા. પોલીસને આ વિશે જાણ કરવામાં આવી છે અને જરૂરી કાર્યવાહી કરાશે. સાવચેતીના પગલા રૂપે વિદ્યાર્થીઓને સલામત સ્થળે ખસેડાયા છે. તમામ વિદ્યાર્થીઓને ઘરે મોકલવા માટે બસ અને વાન બોલાવવામાં આવી છે. જે માતા-પિતા દિવસના અંતે પોતાના બાળકોને લેવા આવે છે, તે સવારે 9:15 વાગ્યા સુધીમાં લેવા આવી શકે છે. બધા વાલીને વિનંતી છે કે, શાળાની કાર્યવાહીમાં સાથે અને ગભરાવશો નહીં તેમજ બહાર રસ્તો બ્લોક ન કરવા વિનંતી.