Rajkot,તા.૨૦
વાંકાનેર તાલુકાના કોઠી મહિકા ગામે ખનીજ માફિયાના ત્રાસથી કંટાળીને ત્રણ યુવકોએ એકસાથે ઝેર પી લીધું હતું. આ દર્દનાક ઘટનામાં ૧૬ વર્ષીય યશ બાંભણિયાનું સારવાર દરમિયાન મોત થયું છે, જ્યારે કલ્પેશ બાંભણિયા અને વિશાલ બાંભણિયા હજુ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝઝૂમી રહ્યા છે.
મળતી વિગતો મુજબ, ગામની આસપાસની જમીનમાંથી ખનીજ માફિયા દ્વારા ગેરકાયદેસર રીતે ખનીજની લૂંટ ચાલી રહી હતી. આ માફિયાએ ગામના લોકોને ધમકીઓ આપીને મૌન રહેવા દબાણ કર્યું હતું. આ ત્રાસથી તંગ આવેલા ત્રણેય યુવકોએ મંગળવારે રાત્રે એકસાથે ઝેરી દવા પી લીધી હતી.
ઘટનાની જાણ થતાંની સાથે જ પરિવારજનોએ ત્રણેયને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન ૧૬ વર્ષીય યશ બાંભણિયાએ જીવ ગુમાવ્યો છે. બીજા બે યુવકોની હાલત હજુ ગંભીર હોવાની માહિતી સામે આવી રહી છે.
યશના મોતના સમાચારથી આખું ગામ શોકમાં ડૂબી ગયું છે. પરિવારજનોએ આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું કે, “જ્યાં સુધી ખનીજ માફિયા સામે કડક કાર્યવાહી નહીં થાય અને આરોપીઓની ધરપકડ નહીં થાય ત્યાં સુધી અમે યશનો મૃતદેહ સ્વીકારીશું નહીં.” હાલ યશનો મૃતદેહ સિવિલ હોસ્પિટલના મોર્ચ્યુરીમાં રખાયો છે.
આ ઘટનાએ વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયાના ત્રાસનો મુદ્દો ફરી એક વખત ચર્ચામાં લાવી દીધો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે ઘણા સમયથી માફિયા બેફામ બન્યા છે અને વારંવાર ફરિયાદ છતાં પોલીસ-પ્રશાસન દ્વારા કોઈ કાયમી કાર્યવાહી થતી નથી.
વાંકાનેર પોલીસે આ મામલે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. હવે દબાણ વધતાં ખનીજ માફિયા સામે કડક કાર્યવાહીની માંગ ઊભી થઈ છે.

