New Delhi,તા.3
રેલવેમાં મુસાફરોની સુવિધા અને ટિકિટ બુકિંગના વધુ સારા સંચાલન માટે રિઝર્વેશન ચાર્ટ શિડયુલમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. સવારથી બપોર સુધી ખુલતી ટ્રેનોનો રિઝર્વેશન ચાર્ટ રાત્રે 9 વાગ્યા સુધીમાં તૈયાર કરવામાં આવશે.
રેલવે બોર્ડે બીજા પણ ઘણાં ફેરફાર કર્યા છે. આનાથી મુસાફરોને તેમની સીટ આરક્ષણની સ્થિતિ અગાઉથી જાણવી સરળ બનશે. બુધવારે રેલવે બોર્ડે તમામ ઝોનલ અધિકારીઓને પરિપત્ર મોકલીને રિઝર્વેશન ચાર્ટ બનાવવાનાં સમયમાં ફેરફારની જાણકારી આપી હતી. તેમજ નવાં નિયમોને વહેલી તકે લાગું કરવા સૂચના આપવામાં આવી છે.
બે વખતનો ચાર્ટ બનાવવાની જોગવાઈ
રેલવેમાં મુસાફરોની બર્થ ક્ધફર્મેશનની માહિતી માટે બે વાર ચાર્ટ બનાવવાની જોગવાઈ છે. પ્રથમ ચાર્ટ ટ્રેન શરૂ થયાનાં ચાર કલાક પહેલાં બનાવવામાં આવશે. બીજો ચાર્ટ ટ્રેનનાં પ્રસ્થાનના લગભગ 30 મિનિટથી 60 મિનિટ પહેલાં બનાવવામાં આવશે.
રેલવેએ માત્ર પ્રથમ ચાર્ટ બનાવવાનાં સમયમાં જ ફેરફાર કર્યો છે. નવા નિયમ મુજબ હવે સવારે 5 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીની ટ્રેનો માટે પહેલો રિઝર્વેશન ચાર્ટ રાત્રે 9 વાગ્યાના એક દિવસ પહેલાં તૈયાર કરવામાં આવશે.
બપોરે 2 થી 12 ની વચ્ચે અને સવારે 12 થી 5 ની વચ્ચેની ટ્રેનો માટેનો પ્રથમ આરક્ષણ ચાર્ટ ટ્રેન ઉપડવાના આઠ કલાક પહેલાં તૈયાર કરવામાં આવશે. બીજો આરક્ષણ ચાર્ટ બનાવવાનાં સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
ટ્રેન શરૂ થવાનાં 30થી 60 મિનિટ પહેલાં પહેલાની જેમ જ તેનું નિર્માણ થતું રહેશે. નવો નિયમ રિમોટ સ્ટેશનો પર પણ લાગું થશે. રેલવેનું કહેવું છે કે, બદલાયેલાં નિયમોથી મુસાફરો ટિકિટ કન્ફર્મેશન કે સીટની ઉપલબ્ધતા વિશેની માહિતી સમયસર મેળવી શકશે. આનાથી તેમને અન્ય વિકલ્પો પર વિચાર કરવાની તક પણ મળશે.