London,તા.03
નાસાના વિજ્ઞાાનીઓએ ચેતવણી આપી છે કે એક વિમાન જેવડા કદનો લઘુગ્રહ પૃથ્વી તરફ ૪૫,૦૦૦ કિલોમીટરની ઝડપે ધસી રહ્યો છે. આ ૧૨૪ ફૂટનો અવકાશી ખડક આપણી પૃથ્વી સપાટીની નજીકથી ૨,૧૮,૦૦૯ કિલોમીટરના અંતરેથી પસાર થઇ જાય તેવી ધારણાં છે. ૨૦૨૫ક્યુડી૮ નામનો આ લઘુગ્રહ આવતીકાલે રાત્રે આઠ વાગ્યાના સુમારે પૃથ્વીની નજીકથી પસાર થવાની ધારણાં છે. ૪૦ મીટરના વ્યાસ ધરાવતો આ લઘુગ્રહ જો પૃથ્વી પર ખાબકે તો તેના કારણે એક આખું મહાનગર નામશેષ થઇ શકે તેવી સેભાવના છે. જો કે, વિજ્ઞાાનીઓના જણાવ્યા અનુસાર હાલ ચિંતા કરવાનું કોઇ કારણ નથી. નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સીના જણાવ્યા અનુસાર આ લઘુગ્રહ પૃથ્વીની નજીકથી કોઇ હાનિ કર્યા વિના પૂરઝડપે પસાર થઇ જશે.
વિજ્ઞાાનીઓએ આ વર્ષના આરંભમાં આ લઘુગ્રહને શોધી કાઢ્યો હતો. એ પછી વરચ્યુઅલ ટેલિસ્કોપ પ્રોજેક્ટના શીખાઉ અવકાશશાસ્ત્રીઓએ ૧૭ ઇંચના ટેલિસ્કોપ વડે તેની તસવીર ઝડપવામાં પણ સફળતા મેળવી હતી. આ લઘુગ્રહ પૃથ્વીથી ૩૯ લાખ કિલોમીટરના અંતરે હતો ત્યારે તેની તસવીર ઝડપવામાં આવી હતી. પંચાવનથી ૧૨૫ ફૂટ પહોળો વિમાન જેવડા કદનો આ લઘુગ્રહ સીધો પૃથ્વી ભણી આવી રહ્યો છે.
આ લઘુગ્રહના કદનો અંદાજ તેની સપાટી પરથી પરાવર્તિત થતાં પ્રકાશના જથ્થા પરથી કાઢવામાં આવ્યો છે. જો આ લઘુગ્રહ ડાર્ક અથવા જેની સપાટી પરથી પ્રકાશ પરિવર્તન ન પામે તેવો હોય તો તેનું કદ ધારણાંથી મોટું પણ હોઇ શકે છે. જો કે, આ લઘુગ્રહ અંદાજ અનુસારનું કદ ધરાવતો હોય તો પણ તેની વિનાશક શક્તિ ભયંકર છે. લંડનની કિંગ્સ કોલેજમાં એસ્ટ્રોફિઝિસિસ્ટ ડો. શ્યામ બાલાજીએ જણાવ્યું હતું કે જો તે પૃથ્વી પર પડે તો જ્યાં તે પડયો હોય ત્યાં મોટો વિનાશ વેરાઇ શકે છે. અલબત્ત, તેની આખી દુનિયા પર કોઇ અસર નહીં પડે.જો કે, ચિંતાનું કારણ એટલા માટે છે કે ૨૦૧૩માં રશિયામાં કઝાખસ્તાનની લરહદ નજીક આવેલાં ચેલ્યાબિન્સ્ક શહેરમાં ૫૯ ફૂટની ઉલ્કા પડી ત્યારે મોટો વિનાશ વેરાયો હતો. આ ઉલ્કાની સરખામણીમાં ૨૦૨૫ ક્યુડી૮નું કદ બમણું એટલે કે ૧૨૫ ફૂટ જેટલું છે. રશિયાના શહેરમાં પડેલી ઉલ્કાને કારણે એટમબોમ્બ કરતાં ત્રીસ ગણી ઉર્જા પેદાં થઇ હતી.