New Delhi તા.5
અમેરિકાની ભારત સાથેની ટ્રેડ ડીલમાં અમેરિકાએ ટેરિફ ઘટાડીને 18 ટકા કરી નાખ્યો છે પણ તેમાં ટ્રમ્પે લાદેલી શરતોના અમલીકરણ સામે સવાલો છે. ટ્રમ્પે રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ન ખરીદવાની શરત મુકી હતી, તેમ છતાં ભારતે આ શરત પર મહોર નથી લગાવી અને રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલુ છે. આ મામલે ભારતે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તે પોતાની ઉર્જા જરૂરિયાતોના આધાર પર જ ફેસલો લેશે.
સૂત્રોના જણાવ્યા મુજબ રશિયાથી ક્રુડ ઓઈલની ખરીદી થઈ રહી છે, અને ગત સપ્તાહે પણ કેટલાક સોદા થયા હતા. વિશેષજ્ઞોનું માનવું છે કે આંતરરાષ્ટ્રીય ક્રુડ ઓઈલના બજારમાં ખરીદનાર-વેચનારના સંબંધો રાતોરાત નથી બદલાતા અને રશિયાથી તેલની પુરી ભરપાઈ વેનેઝુએલા કે અમેરિકાથી કરવી વ્યાવહારિક રીતે પણ પડકારજનક છે. આ મામલે હજુ ભારત સરકારે પણ પુષ્ટિ નથી આપી.
બીજી બાજુ રશિયાએ પણ જણાવ્યું હતું કે રશિયાથી તેલ ખરીદવાનું બંધ કર્યાની ભારતે પણ કોઈ અધિકૃત જાણકારી નથી આપી. હાલ ભારત રશિયાથી ક્રુડ ઓઈલની આયાત ઘટાડી રહ્યું છે, બંધ નથી કર્યું.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જો વેનેઝુએલા ભારતને ક્રુડઓઈલની કિંમતમાં 10-12 ડોલર પ્રતિ બેરલ છુટ આપે તો પણ વેનેઝુએલાથી ભારતનું રશિયાથી ડબલ અને મિડલ ઈસ્ટથી પાંચ ગણું અંતર છે. આથી શિપીંગ, વીમો, રિફાઈનીંગનો ખર્ચ પણ વધી જાય.

