Jetpur,તા.15
જેતપુર તાલુકાના જેતલસર ગામના વેપારીને અલગ અલગ અલગ વ્યાજખોરોની સાત શખ્સોની ટોળકીએ રૂ. 70 લાખ વ્યાજે આપી રૂ. 1.56 કરોડ પડાવી લીધાનો બનાવ સામે આવ્યો છે. વ્યાજે લીધેલ નાણાંની સામે બે ગણાથી વધુ રકમ ચૂકવી દીધા છતાં વ્યાજખોરોએ વેપારીની જમીન બારોબાર વેંચી મારી લાખેણી રકમ વસુલ્યા બાદ પણ સતત નાણાંની પઠાણી ઉઘરાણી કરતા અંતે વેપારીએ જેતપુર તાલુકા પોલીસમાં સાત વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ આપતાં મની લેન્ડિંગ એક્ટ સહીતની કલમો હેઠળ પોલીસે ગુનો નોંધ્યો છે.
જેતલસર ગામના વતની અને હાલ અમદાવાદના આંબાવાડી ખાતે રહેતા વેપારી વિકેશભાઇ પરસોતમભાઈ ભુવા (ઉ.વ.48)એ જેતપુર તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, વર્ષ 2015માં મારે ધંધા માટે રૂપિયા 40 લાખની જરૂરિયાત ઉભી થતા મેં જેતપુરના રૂપાવટી ગામના જમીન-મકાનના દલાલ મગનભાઈ ચોવટીયાને મારી જમીન વેચવા અંગે વાત કરેલી હતી. જેથી મગન ચોવટીયાએ મને કહેલ કે તમારી જમીનની પાસે બાયપાસ રોડ નીકળે છે જેથી તેના ભાવ વધશે. તમને હું શરાફી વ્યાજે રૂપિયા અપાવી દઈશ પરંતુ તમારે તમારી જમીનનો જામીનગીરી પેટે દસ્તાવેજ કરી આપવો પડશે અને મગન ચોવટીયા અને ભાવેશ ટીલાળા બંને જેતલસર ખાતે અમારા ઘરે આવેલ હતા તેની સાથે પૈસા વ્યાજે લેવાની અને પૈસા પેટે જમીન ગીરવે મૂકી દસ્તાવેજ કરી દેવાની વાત થઈ હતી. જેથી અમે તેમને જમીન બતાવેલી હતી. જે બાદ નિલેશ દામજી ટીલાળા અને ભાવેશ દામજી ટીલાળા (રહે બંને જેતપુર) પાસેથી રૂ. 40 લાખ માસિક ત્રણ ટકા વ્યાજે મગન ચોવટીયાએ અપાવી દીધેલ હતા અને સિક્યુરિટી પેટે મારા પિતાની જમીન તા.21-01-2015 ના રોજ જેતપુર સબ રજિસ્ટ્રાર ઓફિસેથી દસ્તાવેજ કરી આપેલ હતો. રૂ. 40 લાખનું દર મહિને ત્રણ ટકા લેખે 1.20 લાખ એમ ચાર માસના રૂ. 4.80 લાખ વ્યાજ ભાવેશ ટીલાળાને આંગડિયા મારફત મોકલેલ હતા. બાદ ધંધામાં મંદી આવતા પાચમહિના સુધી વ્યાજ ભાવેશ ટીલાળાને આપેલ ન હતું. જેથી તેઓ પૈસાની ઉઘરાણી કરવા અમારા ગામ જેતલસર ખાતે ગયા હતા અને મારા પિતા પરસોત્તમભાઈ ભુવા પાસે વ્યાજની ઉઘરાણી કરી બેફામ ગાળો આપી હતી. જો તું કે તારો દીકરો વ્યાજ નહીં આપો તો બંનેને ખોઈ નાખવા પડશે તેમજ જમીનનો કબજો લઈ લેવાની ધમકી આપેલ હતી. . જ્યાં ભાવેશ, તેનો ભાઈ નિલેશ અને મગન ચોવટીયા હાજર હતા. આ ત્રણેય શખ્સોએ મને કહ્યું હતું કે તમે વ્યાજ સમયસર આપતા નથી એટલે વ્યાજ તથા પેનલ્ટી સહિત 15 લાખ મળી કુલ રકમ રૂ. 55 લાખ ચૂકવવાના થાય છે અને હવે ત્રણ ટકા વ્યાજની જગ્યાએ પાંચ ટકા વ્યાજ આપવાનું રહેશે. અમદાવાદ જતો રહેલ અને મારી જમીન કોઈ બીજાને વેચી નાખશે તેવી બીકના લીધે મેં રૂ.2.50 લાખની વ્યવસ્થા કરી ઓક્ટોબર 2015માં આંગડિયા મારફત ભાવેશ ટીલાળાને મોકલેલ હતા.
વ્યાજ અને પેનલ્ટી મળી કુલ રૂ. 90 લાખની ઉઘરાણી કરી હતી. બાદ ભાવેશ, નિલેશ અને મગને મારી જાણ બહાર જેતપુરના નાથાભાઈ લાખાભાઈ માવાણીને સર્વે નંબર 297 પૈકી પાંચની હે.આર.ચો.મી.-00-90-04 ની ખેતીની જમીન ગત તા. 30-03-2016 માં વેચાણ દસ્તાવેજથી વેચી નાખેલ હતી વ્યાજખોરોએ આ જમીન નાથાભાઈ લાખાણી માવાણીને રૂ.67 લાખમાં વેચાણ કરેલ હતી. જે રૂપિયા ભાવેશએ લઈ લીધેલ હતા અને મારી પાસે વધુ રૂ. 22 લાખની ઉઘરાણી કરી હતી. જેથી મેં મારા મિત્ર વિઠ્ઠલભાઈ પીપળીયા (રહે કેશોદ)ને રૂપિયા 30 લાખ ગમે ત્યાંથી જમીન ઉપર કરી આપવા જણાવ્યું હતું. જેથી તેઓ રામભાઈ લખમણભાઇ કેશવાલા, મસરીભાઈ દેવશીભાઈ બારીયા અને મહેશભાઈ જોશીને લઈને જમીન જોવા આવેલ હતા. ત્રણે શખ્સોએ રૂ.30 લાખ ત્રણ ટકા વ્યાજે આપવાની વાત કરેલ હતી. ઉપરાંત તેમણે કહ્યું હતું કે, તે વખતે મસરીભાઈ બારીયા અને મહેશ જોષીએ કહેલ કે, અમે જે નામ આપીએ તે નામનો દસ્તાવેજ તમારે કરી આપવાનું રહેશે. ત્યારબાદ ત્રણેય શખ્સોએ 30 લાખ રૂપિયા ત્રણ ટકા વ્યાજે આપેલ હતા. નિલેશ અને ભાવેશે સર્વે નંબર 297 પૈકી ત્રણની હે.આર.ચો.મી.-00-37-43 ની જમીનનો નરેન્દ્રકુમાર ગોવિંદભાઈ બારીયા, રામભાઈ લખમણભાઇ કેશવાલા, દિનેશભાઈ રમણીકભાઈ મહેતાના નામનો તા.6 એપ્રિલ 2016 ના રોજ વેચાણ દસ્તાવેજ કરી આપેલ હતો. દસ્તાવેજ સમયે વાત થયેલ હતી કે વ્યાજે લીધેલ નાણા અને પર આપી ચૂકવી દઉં તો જમીનનો દસ્તાવેજ પરત કરી દેવાનો રહેશે તેવી મૌખિક શરત મૂકવામાં આવી હતી.