Jharkhandતા.4
રાજસ્થાન તથા તેલંગાણામાં ચોવીસ કલાકમાં ત્રણ ભીષણ અકસ્માતોમાં 51 લોકોના મોતની હજુ શાહી સુકાઈ નથી ત્યાં આજે મધ્યપ્રદેશ અને ઝારખંડમાં ગમખ્વાર અકસ્માત સર્જાયા હતા. મધ્યપ્રદેશમાં ઈન્દોર નજીક બસ ખીણમાં ખાબકતા 3ના મોત થયા હતા અને 48 ઘાયલ થયા હતાં. ઝારખંડમાં ત્રણ બસ વચ્ચે ટકકરમાં 70 લોકો ઘાયલ થયા હતા.
મધ્યપ્રદેશના ઇન્દોર જિલ્લામાં રાત્રે એક મુસાફર બસ ખીણમાં ખાબકતા બે મહિલાઓ સહિત ત્રણ લોકોના મોત થયા હતા, જ્યારે 38 અન્ય લોકો ઘાયલ થયા હતા.
ગ્રામીણ પોલીસ અધીક્ષક યાંગચેન ડોલકર ભૂટિયાએ જણાવ્યું કે, આ દુર્ઘટના  ભેરુ ઘાટ પર બની હતી. તેમણે કહ્યું, “અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે, જેઓ બસમાં આગળની તરફ બેઠા હતા. મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે.”
પોલીસ અને પ્રશાસન દ્વારા બસમાં ફસાયેલા 38 ઘાયલ મુસાફરોને બચાવી લેવામાં આવ્યા હતા અને તેમને સારવાર માટે વિવિધ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના વાસ્તવિક કારણોની તપાસ કરવામાં આવી રહી છે. જોકે, ઘટનાસ્થળ પરથી સામે આવેલા એક વીડિયોમાં, એક વ્યક્તિ એવું કહેતા સંભળાય છે કે બસનો ડ્રાઇવર નશામાં હતો અને તેના કારણે જ આ દુર્ઘટના ઘટી હતી.
આ ઉપરાંત ઝારખંડના ધનબાદમાં યાત્રાળુઓ સાથેની ત્રણ બસો વચ્ચે ટ્રીપલ અકસ્માત સર્જાયો હતો તેમાં 70થી વધુ લોકો ઘાયલ થયા હતા. બોકારો જતી યાત્રાળુઓ સાથેની ત્રણ બસો વચ્ચે આ દુર્ઘટના થઈ હતી. ત્રણેય બસમાં આદિવાસી સમુદાયના યાત્રાળુઓ સવાર હતા. દુર્ઘટનાને પગલે હાઈવે પર ચીસાચીસ થઈ હતી. સદનસીબે કોઈના મોત થયા ન હતા.
રાજસ્થાનમાં કાળચક્ર ફરી વળ્યું
જોધપુર-જેસલમેરમાં 20 દિવસમાં માર્ગ અકસ્માતમાં 52 લોકોના મોત
રાજસ્થાનમાં છેલ્લા 20 દિવસમાં ખોફનાક અકસ્માતની ઘટનાઓ બની ગઈ, આ માર્ગ અકસ્માતમાં 20 દિવસમાં 52 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે. પહેલી દુર્ઘટના દિવાળીથી એક સપ્તાહ પહેલા 14 ઓકટોબરે જેસલમેરમાં સર્જાઈ હતી, જયાં સ્લીપર બસમાં શોર્ટ સર્કીટથી આગ લાગતા 28 લોકોના દર્દનાક મોત નિપજયા હતા.
ત્યારબાદ રવિવારે માતોડમાં થયેલા અકસ્માતમાં 15 લોકોના જીવ ગયા હતા. અકસ્માત બાદ રવિવારે અડધી રાતથી મહાત્મા ગાંધી હોસ્પિટલની મોર્ચરી બહાર મૃતકોના પરિવારજનોએ ધરણા શરૂ કરી દીધા હતા.
કોંગ્રેસ નેતા કરણસિંહ ઉચિયારડા સહિત અનેક લોકો ધરણામાં સામેલ થયા હતા અને મૃતકોના પરિવારોને 25-25 લાખ રૂપિયાનું વળતર અને ઘાયલોને પાંચ-પાંચ લાખ રૂપિયા આપવાની માંગ કરી હતી.

