Ahmedabad,તા.19
સ્પેશીયલ ઓપરેશન ગ્રુપના સ્ટાફે નરોડામાં એક ટ્રકને ઝડપીને તેમાંથી સરકારી રાહતનો 12 હજાર કિલો જેટલા ઘંઉનો મોટો જથ્થો જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે. નરોડા જીઆઇડીસી સ્થિત સતનામ એન્ટરપ્રાઇઝ નામની કંપનીથી ઘંઉનો જથ્થો લઇને નજીકમાં આવેલી ભગવતી ફ્લોર મીલમાં પહોંચતો કરવામાં આવી રહ્યો હોવાનું પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
સ્પેશીયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એચ.જોષીનો સ્ટાફ શુક્રવારે રાતના સમયે નરોડા વિસ્તારમાં હતો ત્યારે તેમણે નરોડા અર્બન હેલ્થ સેન્ટર પાસે ઉભી રહેલી ટ્રકમાં તપાસ કરી ત્યારે તેમાં ઘંઉનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો. આ અંગે ટ્રક ડ્રાઇવર જેસાભાઇ ડામોરની પુછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે તે બાબુભાઇ મન્સુરીની ગાડી ચલાવે છે. બાબુભાઇ તેને નરોડા જીઆઇડીસીમાં આવેલા સતનામ એન્ટરપ્રાઇઝ નામની એજન્સીમાંથી ઘંઉનો જથ્થો લઇને નરોડા જીઆઇડીસીમાં આવેલી ભગવતી ફ્લોર મીલ સુધી પહોંચતો કરવાની સુચના આપી હતી. આ અંગે આસીસન્ટન્ટ ફુડ કંટ્રોલરને જાણ કરીને તપાસ કરાવતા આ જથ્થો સરકારી રાહતનો હોવાનું જાણવા મળ્યું હતું. જેના આધારે પોલીસે રૂપિયા 3.50 લાખની કિંમતના 12 હજાર કિલો ઘંઉ સહિત કુલ 13.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.