દારૂ, બીયર, ટ્રક, મોબાઈલ મળી કુલ રૂ.૬૧.૦૪ લાખના મુદ્દામાલ સાથે ડ્રાયવર-ક્લિનરની ધરપકડ
Surendranagar,તા.17
સુરેન્દ્રનગર એલસીબી ટીમે દસાડા તાલુકામાં પેટ્રોલીંગ હાથ ધર્યું હતું. દરમ્યાન બાતમીના આધારે પાટડી-માલવણ હાઈવે પર આવેલ હોટલ ખાતેથી ટ્રકમાં ઠંડાપીણાના બોક્ષની આડમાં લઈ જવાતો ઈંગ્લીશ દારૂ અને બિયરના રૂ. 41.46 લાખના જથ્થો ઝડપી લઇ કુલ રૂ. 61.04 લાખનો મુદ્દામાલ કબ્જે કરી એલસીબીએ ટ્રક ડ્રાયવર-ક્લિનરની ધરપકડ કરી હતી.
આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ એલસીબી ટીમે દસાડા તાલુકામાં પેટ્રોલીંગ હાથ ધર્યું હતું. દરમ્યાન બાતમીના આધારે માલવણ હાઈવે પર પીપળી ગામના પાટીયા પાસે આવેલ રામદેવ હોટલના પટાંગણમાં શંકાસ્પદ હાલતમાં એક ટ્રક હોવાની માહિતી મળતા એલસીબી કાફલો બાતમીસ્થળે દોડી ગયો હતો. જ્યા તલાસી લેતા ટ્રકમાંથી ઠંડાપીણાની બોટલોના બોક્ષની આડમાં લઈ છુપાવવામાં આવેલો ઈંગ્લીશ દારૂની 3420 બોટલો તથા બીયરના 2136 ટીન જેની કિંમત રૂ. ૪૧.૪૬ લાખ તથા બે મોબાઈલ કિંમત રૂ. ૧૦,૦૦૦, ટ્રક, ઠંડાપીણાની બોટલોના 1380 બોક્સ સહિત કુલ રૂા.૬૧.૦૪ લાખના મુદ્દામાલ સાથે બે શખ્સો સુજારામ કાનારામ દેવાસી રહે. રાજસ્થાન (ડ્રાઈવર) અને દિપારામ મોડારામ દેવાસી રહે. રાજસ્થાન (ટ્રક ક્લીનર)ને ઝડપી પાડયા હતા.
ડ્રાયવર-ક્લિનરની વધુ પછપરછ કરતા અન્ય ત્રણ શખ્સો ઓમપ્રકાશ બિસ્નોઈ, અજાણ્યો શખ્સ અને ટ્રકમાલીકની સંડોવણી બહાર આવી હતી. એલસીબી પોલીસે તમામ વિરૂધ્ધ બજાણા પોલીસ મથકે પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે એલસીબી પોલીસની રેઈડથી સ્થાનીક પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.