આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના સ્ટુડન્ટ્સ વિઝા રજિસ્ટ્રેશન રદ્દ કરવાના સરકારના નિર્ણય સામે કરાયેલા કેસની સુનાવણી દરમિયાન આ નિર્ણયની જાહેરાત કરાઈ હતી
Washington, તા.૨૬
અમેરિકામાં અભ્યાસ કરતાં ભારત સહિત વિશ્વના લાખો વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર છે. ટ્રમ્પ વહીવટતંત્રએ શુક્રવારે એક જાહેરાતમાં જણાવ્યું હતું કે, જે વિદેશી વિદ્યાર્થીઓનો કાનૂની દરજ્જો એકાએક રદ્દ કરાયો હતો તેમના સ્ટુડન્ટ વિઝાનું રજિસ્ટ્રેશન પુનઃબહાલ કરાઈ રહ્યું છે. એક સરકારી વકીલે આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, યુએસ ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (આઈસીઈ)એ દેશભરમાં અભ્યાસ કરતાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનો કાનૂની દરજ્જો રદ્દ કરવાનો નિર્ણય હાલ પૂરતો પાછો ખેંચ્યો છે. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના સ્ટુડન્ટ્સ વિઝા રજિસ્ટ્રેશન રદ્દ કરવાના સરકારના નિર્ણય સામે કરાયેલા કેસની સુનાવણી દરમિયાન આ નિર્ણયની જાહેરાત કરાઈ હતી. સ્ટુડન્ટ વિઝા રદ્દ કરવાના ટ્રમ્પ સરકારના નિર્ણયને પગલે આશરે ૧૧ લાખથી વધુ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર અધવચ્ચેથી અભ્યાસ પડતો મુકી અમેરિકા છોડવાનું દબાણ સર્જાયું હતું. ટ્રમ્પે ૨૦ જાન્યુઆરી, ૨૦૨૫માં સત્તા ગ્રહણ કરી ત્યારથી અત્યાર સુધીમાં આશરે ૪,૭૦૦થી વધુ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના નામ યુએસ આઈસીઈ દ્વારા જાળવવામાં આવતાં સ્ટુડન્ટ એન્ડ એક્સચેન્જ વિઝિટર ઈન્ફર્મેશન સિસ્ટમ (સેવીસ)માંથી દૂર કરાયાં હતાં.