Washington,તા.05
અમેરિકામાં આગામી મહિનેથી ડોનાલ્ડ ટ્રમ્પ શાસનના પ્રારંભ પુર્વે તેમની પ્રિય ક્રિપ્ટો કરન્સીમાં બિટકોઈન માટે હવે ખુબજ સારા દિવસો આવી રહ્યા હોવાના સંકેત છે. પ્રથમ વખત આ વર્ચ્યુઅલ કરન્સી 1 લાખ ડોલરને પાર થઈ છે. 5.9%ની વૃદ્ધિ સાથે પ્રતિ બીટકોઈનનો ભાવ 101438.9 ડોલર પહોંચી ગયો છે.
અમેરિકામાં ટ્રમ્પના વિજયથી જ બીટકોઈનની પણ તેજી શરૂ થઈ હતી અને પ્રથમ વખત તે એક લાખ ડોલરને પાર થઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને તેના ખાસ સાથી એલન મસ્ક એ ક્રિપ્ટો કરન્સીના ખાસ ચાહક છે અને એક વખત ટ્રમ્પ શાસનના પ્રારંભથી જ વર્ચ્યુઅલ કરન્સીનો નવો યુગ શરૂ થશે તેવું ચિત્ર છે.
ટ્રમ્પ શાસનમાં ક્રિપ્ટો માટે એક એડવાઈઝરી કાઉન્સીલ રચવા અને તેના બિઝનેસ વેન્ચર અને તેમાં હવે અમેરિકી સંસ્થાકીય રોકાણકારો પણ પ્રવેશે તેવી શકયતા છે. જો કે આ વર્ચ્યુઅલ કરન્સી સામે અનેક પ્રશ્નો છે અને વિવાદ પણ તેવાજ છે.
ભારત સહિત અનેક દેશોએ હજુ ક્રિપ્ટોકરન્સીને માન્યતા આપી નથી અને તેના રેગ્યુલેશન સ્થાનિક સ્તરે કામીયાબ બની શકે કે કેમ તે પ્રશ્ન છે. ટ્રમ્પે તેમના શાસનમાં અમેરિકાને બીટકોઈન સહિતની તમામ ક્રિપ્ટોકરન્સીનું પાટનગર બનાવવાની જાહેરાત કરી હતી. ઉપરાંત ટ્રમ્પ શાસનમાં જેની ભૂમિકા મહત્વની હશે તે એલન મસ્ક આ ક્રિપ્ટો પોલીસીના હિમાયતી છે અને ટ્રમ્પની અન્ય નિયુક્તિઓ પણ ક્રિપ્ટો હિમાયતીમાં છે.
ઈન્સ્ટીટયુટ- રોકાણકારો પણ બિટકોઈનમાં સૌ વિશ્વાસ ધરાવે છે. એક જ દિવસમાં 676 મિલીયન ડોલરનું રોકાણ આ વર્ચ્યુઅલ કરન્સીમાં કર્યુ છે અને આગામી દિવસોમાં બીટકોઈન 1.20 લાખ ડોલરની કિંમતે પહોંચે તેવી ધારણા છે.
આ વર્ષમાં ટ્રમ્પના વિજય બાદ બીટકોઈનના ભાવ 50 અને વર્ષ દરમ્યાન 134%નો વધારો થયો છે. અમેરિકાનું સિકયોરિટી એન્ડ એકસચેંજ કમીશનના વડા તરીકે પૌલ ચેટકીનની નિયુક્તિ થઈ છે તેઓ ક્રિપ્ટોકરન્સીના હિમાયતી છે અને તેઓ ટુંક સમયમાં તેની મોનેટરીંગ પોલીસી પણ જાહેર કરશે.