બંને દેશો મારી પાસે આવ્યા હતા અને યુધ્ધ વિરામની વિનંતી કરી હતી : ટ્રમ્પ
હવે બંને દેશો શાંતિ અને પ્રેમ-ભાઇચારાથી રહેશે : ટ્રુથ સોશ્યલમાં ટ્રમ્પની પોસ્ટ
Washington, તા.24
ઇઝરાયલ અને ઇરાન વચ્ચેના યુધ્ધમાં ઓચિંતા ઝંપલાવી ઇરાનના અણુ મથકોને નિશાન બનાવ્યાના કલાકોમાં જ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નાટયાત્મક રીતે દાવો કર્યો હતો કે ઇઝરાયલ અને ઇરાન વચ્ચે યુધ્ધ વિરામની સહમતી બની ગઇ છે. પોતાના સોશ્યલ મીડિયા હેન્ડલ ટ્રુથ સોશ્યલ પર એક પોસ્ટમાં લખ્યું કે, હવે ઇઝરાયલ અને ઇરાન તેમના અંતિમ મિશનો પૂરા કરી લેશે અને યુધ્ધ સમાપ્ત થયાનું માની લેવાશે.
જોકે ટ્રમ્પના આ દાવાને ઇઝરાયલ અને ઇરાન બંનેએ તબકકે ફગાવી દીધા હતા અને ટ્રમ્પના દાવા વચ્ચે પણ ઇરાને ઇઝરાયલ પર વધુ મિસાઇલ હુમલો કર્યો હતો તો ઇઝરાયલે પણ પોતાનું આક્રમણ યથાવત રાખ્યું હતું.
ટ્રમ્પે લખ્યું હતું કે, ઇઝરાયલ અને ઇરાન એક જ સાથે મારી પાસે આવ્યા હતા અને તેઓએ શાંતિ માટે વિનંતી કરી મને ખ્યાલ હતો કે હવે સમય આવી ગયો છે દુનિયા અને પશ્ચિમ એશીયા જ સાચા વિજેતા છે. બંને દેશો તેમના ભવિષ્યમાં જબરદસ્ત પ્રેમ, શાંતિ અને સમૃધ્ધિ જોશે. આમ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે પોતે યુધ્ધ વિરામ કરાવ્યું તેવા સતત દાવા કરી રહ્યા છે તે જ પ્રકારે હવે ઇઝરાયલ અને ઇરાન વચ્ચે પણ પોતે યુધ્ધ વિરામ કરાવ્યું હોવાનો યશ લીધો હતો.જોકે અગાઉ ઇરાને જાહેર કર્યુ કે અમોએ જે રીતે મધ્યપૂર્વમાં અમેરિકી થાણા પર હુમલો કર્યો તેની સફળતાથી અમેરિકાને ઇઝરાયલ પર યુધ્ધ વિરામ થોપી બેસાડવાની ફરજ પડી છે. જોકે ઇઝરાયલ તરફથી આ અંગે કોઇ પ્રતિભાવ આવ્યો નથી.