Washington, તા.25
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સંયુકત રાષ્ટ્ર સંઘ વડામથક ખાતેની મુલાકાત અને રાષ્ટ્ર સંઘની સામાન્ય સભાને સંબોધન પૂર્વે જે રીતે ટ્રમ્પના આગમન સમયે એસ્કેલેટર અચાનક બંધ થઇ ગયું તેમજ ટ્રમ્પના ભાષણના પ્રારંભમાં ટેલીપ્રોમ્ટર બંધ થઇ ગયું તથા ટ્રમ્પ બોલી રહ્યા હતા તે સમયે માઇકમાં પણ ખરાબી આવી તે ઘટનાને પ્રારંભમાં હળવાશથી લીધા બાદ હવે ટ્રમ્પે તે ફકત જોગાનુજોગ નહીં પણ અત્યંત ગંભીર ગણાવતા તે અંગે તપાસના આદેશ આપ્યા છે.
ટ્રમ્પે એવો દાવો કર્યો છે કે આ તમામ તેમની સામેના ષડયંત્રનો એક ભાગ જ હતો. રાષ્ટ્ર સંઘને ટ્રમ્પે એસ્કેલેટર ફુટેજ જાળવીને રાખવા આદેશ આપ્યો છે અને જણાવ્યું છે કે આ અંગે અમેરિકી સિક્રેટ સર્વિસ તપાસ કરશે. જોકે આ તમામ ઘટનાઓ અંગે રાષ્ટ્ર સંઘે અગાઉ જ સ્પષ્ટતા કરી હતી કે એસ્કેલેટર અચાનક બંધ થવા પાછળ ટ્રમ્પની સાથે આવેલા વિડીયોગ્રાફર અને તેની ટીમ જવાબદાર છે.
તેઓએ જ એસ્કેલેટરનું ઇમરજન્સી બટન દબાવ્યું હતું. જયારે ટેલીપ્રોમ્ટરની કામગીરી વ્હાઇટ હાઉસ સંભાળતું હતું તેમાં રાષ્ટ્ર સંઘની કોઇ ભૂમિકા જ ન હતી પરંતુ ટ્રમ્પે પોતાના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશ્યલ ઉપર રાષ્ટ્ર સંઘની ત્રણે ઘટનાને અશુભ ગણાવી હતી અને કહ્યું કે, આ તમામને કારણે તેમનો મુડ ખરાબ થઇ ગયો હતો. ટ્રમ્પે ત્યાંથી જ ન અટકતા તેને પોતાની સામે એક ષડયંત્ર તરીકે બતાવ્યું અને હવે રાષ્ટ્ર સંઘને આ તમામ સમયના સીસીટીવી ફુટેજ જાળવી રાખવા આદેશ આપ્યો છે.
ટ્રમ્પ મંગળવારે રાષ્ટ્ર સંઘના વડા મથક ખાતે પહોંચ્યા તે સમયે તેઓ અને તેમના સાથી એસ્કેલેટર પર આગળ વધતા હતા. ત્યાં જ અચાનક જ એસ્કેલેટર બંધ થઇ ગયું હતું અને ટ્રમ્પને દાદરાની માફક આગળ વધવું પડયું હતું. બાદમાં તેમના ભાષણ સમયે ટેલીપ્રોમ્ટર શરૂ થયું નહીં. તેમજ તેમને માઇક પણ યોગ્ય રીતે કામ કરતું ન હતું અને રાષ્ટ્ર સંઘની સામાન્ય સભામાં બેસેલા લોકો ટ્રમ્પનું ભાષણ યોગ્ય રીતે સાંભળી શકતા નહીં હોવાનું ખુદ તેમના પત્ની મેલેનીયા સહિતના લોકોએ જણાવ્યું હતું.
એટલું જ નહીં ટ્રમ્પના ભાષણનું અન્ય ભાષાઓમાં અનુવાદ કરી રહેલા લોકોને પણ મુશ્કેલી પડતી હતી. આમ ટ્રમ્પે કહ્યું કે આ કોઇ જોગાનુજોગ નથી આ ત્રીજુ ષડયંત્ર છે અને તેની તપાસ થશે.
જોકે સુત્રોના જણાવ્યા મુજબ રાષ્ટ્ર સંઘમાં જે રીતે લાંબા સમયથી અમેરિકા અને અન્ય દેશોએ પોતાનું યોગદાન આપવામાં વિલંબ કરી રહ્યો છે તેના કારણે રાષ્ટ્ર સંઘના રોજબરોજના ખર્ચામાં મુશ્કેલી પડી રહી છે લીફટ અને એસ્કેલેટર બંધ રાખવા પડે તેવી પણ અનેક સમયે બન્યું છે.