એસીબીનાં સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે, ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ગાયત્રી હાઇસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવી ફરિયાદી ૨૦૨૪ની સાલમાં નિવૃત થયા હતાં. ફરિયાદીને મોંઘવારીના ૫૩ ટકા મુજબ એરિયર્સ બીલની અને રજા રોકડ રૂપાંતરની રકમ મળી કુલ આશરે રૂા. ૧૨.૧૫ લાખ લેવાના હતાં.
આ રકમ ઝડપથી મળે તે માટે ફરિયાદીએ બંને આરોપીઓનો સંપર્ક કરતાં આરોપીઓએ રૂા. ૩ લાખની લાંચ માંગી હતી. રકઝકનાં અંતે રૂા. ૨ લાખમાં કામ કરવા તૈયાર થઇ ગયા હતા. પરંતુ ફરિયાદી આ રકમ આપવામાં માંગતા ન હોવાથી એસીબીમાં ફરિયાદ કરી હતી. જેનાં આધારે એસીબીએ ગઇકાલે રાત્રે છટકુ ગોઠવ્યું હતું. નક્કી થયા મુજબ ફરિયાદી લાંચનાં રૂા. ૨ લાખ લઇ બંને આરોપીઓનાં ઘરે વાણીયાવાડી ૨/૧૬માં આવેલા તેમનાં મકાને પહોંચ્યા હતાં.
જ્યાં વાતચીત કર્યા બાદ આરોપી ગુણવંતરાયે બીજા આરોપી ધર્મેન્દ્રભાઈની હાજરીમાં લાંચની રકમ રૂા. ૨ લાખ સ્વીકારતાં ટ્રેપમાં ગોઠવાયેલા પીઆઇ આર.આર. સોલંકીએ બંને આરોપીઓને ઝડપી લીધા હતાં. ત્યાર પછી એસીબીએ ગુનો દાખલ કરી બંને આરોપીઓની વિધિવત ધરપકડ કરી તપાસ આગળ ધપાવી છે. આરોપીની સ્કૂલ ગ્રાન્ટેડ છે તેમ એસીબીનાં સૂત્રોએ જણાવ્યું હતું.