ગઈકાલથી બન્ને બાળકો ગુમ હતા: ફાયર ટીમ દ્વારા બે કલાકની જહેમત બાદ મૃતદેહો બહાર કાઢયા
Kutch,તા.22
Kutchજિલ્લામાં ભચાઉ તાલુકાના વાંઢીયા ગામે તળાવમાં ડૂબી જવાના કારણે બે બાળકોના મૃતદેહો મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ છે. 2 બાળકોના મોત થવાના કારણે શોકનું મોજું ફરી વળ્યું છે. બાળકો ગઈકાલ બપોરથી ગુમ હતા. જે કારણે પરિવારના સભ્યો દ્વારા તેમની શોધખોળ કરવામાં આવી હતી. આ દરમિયાન તેમના મૃતદેહ તળાવમાંથી મળી આવ્યા હતા.
બનાવની મળતી માહિતી અનુસાર, કચ્છ જિલ્લાના તાલુકાના વાંઢીયા ગામે બે બાળકોના ગત રોજ બપોરના સમયથી ગુમ હતા. જે કારણે તેમના પરિવારે તેમની શોધખોળ હાથ ધરી હતી. તળાવમાં તપાસ કરતા બે બાળકોના મૃતદેહો મળી આવ્યા હતા. મૃતક બાળકોમાં 14 વર્ષીય કમલેશ કોળી અને 13 વર્ષીય દલસુખ કોળીનો સમાવેશ થાય છે. સમગ્ર ઘટનાની જાણ ભચાઉ ફાયર વિભાગની ટીમને કરવામાં આવી હતી.ભચાઉ ફાયર ટીમ દ્વારા બે કલાકની જહેમત બાદ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. આ બનાવની જાણ સ્થાનિક પોલીસ મથકના સ્ટાફને થતા દોડી જય બંને મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલે ખસેડ્યા હતા.પ્રથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ બાળકો તળાવમાં ન્હાવા ગયા હતા. એક જ ગામમાં બે બાળકોના મોત થતા ગામનો માહોલ ગમગીન બન્યો હતો.

