15 વર્ષ પૂર્વે મૃતકને માર મારી, કેરોસીન છાંટી કાંડી ચાંપી દેવાઈ’તી
મૃતકના મરણોત્મુખ નિવેદનને નજરઅંદાજ કરી પિતરાઈ બહેનોને નિર્દોષ છોડી મુકવાના સેશન્સ કોર્ટનાં આદેશને પલટાવી નાખતી હાઇકોર્ટ
Porbandar.તા.04
પોરબંદર જિલ્લામાં 15 વર્ષ પૂર્વે એક મહિલાને જીવતી સળગાવી નાખી મોતને ઘાટ ઉતારી દેનાર બે પિતરાઈ બહેનોને મરણોત્મુખ નિવેદનના આધારે ગુજરાત હાઇકોર્ટએ આજીવન કેદની સજા ફટકારી છે. મામલામાં વર્ષ 2012માં પોરબંદર સેશન્સ કોર્ટે મરણોત્મુખ નિવેદનનો અસ્વીકાર કરીને બંને પિતરાઈ બહેનીને નિર્દોષ જાહેર કર્યા બાદ સરકાર પક્ષે હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. જે મામલે હાઇકોર્ટએ બંને પિતરાઈ બહેનોને હત્યા કેસમાં સજા ફટકારી છે.
બનાવની વિગતો પર નજર કરવામાં આવે તો મૃતક મહિલા તેના પતિથી અલગ પોરબંદરના રાણાવાવ શહેરમાં માવતરે રહેતી હતી. બે પિતરાઈ બહેનોમાંથી એકને એવી શંકા હતી કે, મૃતકને તેના પતિ સાથે હજુ આત્મીયતા છે. જે શંકાના આધારે બંને પિતરાઈ બહેનોએ મૃતકને માર માર્યો હતો અને પછી કેરોસીન છાંટી કાંડી ચાંપી દીધી હતી. બાદ મહિલાને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં મહિલા મોત પૂર્વે તબીબ, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને પોલીસ સબ-ઇન્સ્પેક્ટરની હાજરીમા મરણોત્મુખ નિવેદન નોંધવામાં આવ્યા હતા.
હાઇકોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, અમારું માનવું છે કે મૃતકના મરણોત્મુખ નિવેદન સાચા, સ્વૈચ્છિક છે અને તેણી દ્વારા આપવામાં આવેલા નિવેદનોની સત્યતા વિશ્વાસ પ્રેરે છે અને તે જ આરોપીને દોષિત ઠેરવવા માટે એકમાત્ર આધાર તરીકે સ્વીકારવામાં આવે છે.
દોષિતોએ સગીર બાળકો પ્રત્યેની તેમની જવાબદારીઓનો ઉલ્લેખ કરીને સજામાં ઉદારતા દાખવવાની વિનંતી કરી હતી. હાઇકોર્ટે તેમને આજીવન કેદનો આદેશ આપ્યો પરંતુ સરકારને 14 વર્ષની સજા ભોગવ્યા પછી તેમને માફીનો લાભ આપવાનું વિચારવાનો નિર્દેશ આપ્યો હતો.