Gondal , તા.18
ગોંડલમાં ગઈકાલે રાત્રે બે જૂથ બાખડી પડ્યા હતા. જેમાં ફરસી, છરી, ધોકા, પાઈપ વડે ધીંગાણું ખેલાતા મહિલા, સગીર સહિત પાંચ લોકો ઘાયલ થયા હતા. રૂ.10 હજાર આપ્યા હતા તે બહેનને સંબંધીના ઘરે શોધવા જતા માથાકૂટ થઈ હતી. જ્યાં અપશબ્દો બોલાતા મામલો બીચક્યો હતો. ઈજાગ્રસ્તો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ, ગોંડલમાં ભગવતપરા નજીક સરકારી હોસ્પિટલ ચોક પાસે ખાડા તરીકે ઓળખાતા નદીના કાંઠા વિસ્તારમાં રહેતા બે જુથના લોકો ગઈકાલે રાત્રે 8 વાગ્યાં આસપાસ બાખડી પડ્યા હતા. ગોંડલના સિવિલ હોસ્પિટલ ચોક વિસ્તારમાં ટોળાં સામ સામે આવી ગયા હતા.
જેમાં મહિલા, સગીર સહિત પાંચ જેટલાં લોકો ઘવાયા હતા. જૂથોના આક્ષેપ મુજબ, ફરસી, છરી, ધોકા, પાઈપ સહિતના હથિયારો ધારણ કરી ટોળું બાખડી પડ્યું હતું. જેને પગલે વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ઘટના અંગે જાણ થતા ગોંડલમાં આવેલા બંને ડિવિઝનના પીઆઇ અને તેમની ટીમો દોડી ગઈ હતી.
પીઆઇ જે. પી. રાવ અને પીઆઇ એલ. આર. ગોહિલ સ્થળ પર પહોંચ્યા હતા. આ તરફ ઈજા ગ્રસ્તોને પહેલા ગોંડલ સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. અહીં ઈજાગ્રસ્તોને દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. ગોંડલ એ. ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરવા તજવીજ કરી હતી.
ઈજાગ્રસ્ત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ અશ્વિન ભરતભાઈ મકવાણા (ઉંમર વર્ષ 20), રામા રવજીભાઈ સોલંકી (ઉંમર વર્ષ 25), અમિત સેતલ મકવાણા (ઉંમર વર્ષ 15) (રહે. ત્રણેય નદીના કાંઠે સરકારી હોસ્પિટલ ચોક પાસે ભગવતપરા, ગોંડલ)એ કરેલા આક્ષેપ મુજબ, રામાને તેની બેન રીટા પાસે રૂ. 10 હજાર જે અગાઉ હાથ ઉછીના આપ્યા હતા તે લેવાના હતા.
તેને જાણ થઈ હતી કે, રીટા સંબંધી પૂજાબેનના ઘરે આવે છે. પૂજાબેન ત્યાં નદીના કાંઠે જ રહેતા હોય, તેના ઘરે ગયો હતો. રીટા આવી છે કે નહીં તે અંગે પૂછ્યું હતું. જેથી ઉશકેરાઈ સામાવાળા ભરત, રાહુલ તથા તેની સાથેના માણસોએ ઝઘડો કરી હુમલો કર્યો હતો.
સામાપક્ષે રાજકોટ સિવિલમાં દાખલ ઈજાગ્રસ્ત રેખાબેન આકાશભાઈ રાઠોડ (ઉંમર વર્ષ 21), રોહિતભાઈ અશોકભાઈ મકવાણા (ઉંમર વર્ષ 20)એ જણાવ્યું કે, રેખાનો પતિ આકાશ ભંગારના ડેલામાં કામ કરે.
રોહિત તેની જેઠાણી પૂજાનો ભાઈ છે. રાત્રે બધા ઘરે હતા ત્યારે રામલો આવ્યો. હતો. તે દારૂ પી આવ્યો હતો. નશામાં હતો. ગાળો આપવા લાગ્યો એટલે ઝઘડો થયો હતો. પછી રામલો અને જોની તેમજ બોડાબેન સહિતના આવ્યા હતા. પથ્થરના ઘા કર્યાં હતા. માર માર્યો હતો. પોલીસે બંને પક્ષે નિવેદન લઈ ફરિયાદ નોંધવા તજવીજ કરી હતી.

