(નયના દવે દ્વારા)
Jamnagar તા.૨૧ઃ
Jamnagar શહેરમાં તસ્કરોએ એક જ રાત્રિ દરમિયાન બે અલગ-અલગ સ્થળોએ ચોરીને અંજામ આપતાં ચકચાર મચી છે. શહેરના સટ્ટાબજાર નજીક આવેલી એસ.પી. મહેતા માર્કેટમાં ફ્રૂટની દુકાનમાંથી રૂ. ૮૮,૩૫૦ની રોકડ રકમની ચોરી થઈ હતી, જ્યારે લાલવાડી વિસ્તારના કૌશલનગરમાં બંધ મકાનનાં તાળાં તોડી રૂ. ૧,૮૧,૨૦૦ની કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરવામાં આવી હતી. આમ, બંને બનાવમાં કુલ રૂ. ૨,૬૯,૫૫૦ની મત્તા ચોરાઈ જતાં અલગ-અલગ પોલીસ મથકોમાં ગુના નોંધાયા છે.
પ્રથમ બનાવની વિગત મુજબ, જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા ૭૩ વર્ષીય બલીરામ ઉધમલ દુલાણી સટ્ટાબજાર નજીક એસ.પી. મહેતા માર્કેટમાં દુકાન નં. એ-૦૩ ખાતે બજરંગ ફ્રૂટ નામની દુકાન ચલાવે છે. આજે સવારે આશરે સાડા નવ વાગ્યે તેઓ દુકાને પહોંચ્યા બાદ કબાટ ખોલીને જોતાં તેમાં રાખેલી વેપારની રોકડ રકમ ગાયબ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
દુકાનની તપાસ કરતાં પાછળના દરવાજાનો નીચેનો ભાગ તૂટેલો જોવા મળ્યો હતો. અજાણ્યા તસ્કરોએ દરવાજાનો ભાગ તોડી દુકાનમાં પ્રવેશ કરી કબાટમાં પૂંઠાના બોક્સની અંદર સફેદ પ્લાસ્ટિકની થેલીમાં રાખેલી રૂ. ૫૦૦ અને રૂ. ૨૦૦ના દરની નોટો સહિત કુલ રૂ. ૮૮,૩૫૦ની રોકડ રકમ ચોરી લીધી હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે વેપારી બલીરામ દુલાણીની ફરિયાદ પરથી સિટી બી-ડિવિઝન પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધ્યો છે.
બીજા બનાવમાં કૌશલનગરના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. લાલવાડી વિસ્તારમાં જ્ઞાનગંગા સ્કૂલની બાજુમાં આવેલી ગિરિરાજ પાર્ક સોસાયટી, શેરી નં. ૭માં રહેતા અને ખાનગી કંપનીમાં એન્જિનિયર તરીકે નોકરી કરતા ૨૮ વર્ષીય પ્રતીકભાઈ નિશીતભાઈ પરમાર ગત તા. ૧૯ ઓક્ટોબરની રાત્રે પરિવાર સાથે મકાનને તાળું મારી બહારગામ ગયા હતા.
દરમિયાન આજે વહેલી સવારે તેમના પાડોશીએ મકાનમાંથી બે અજાણ્યા શખ્સોને બહાર નીકળતા જોયા હતા. પાડોશીએ બંનેને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ નાસી છૂટ્યા હતા. આ અંગે ફોનથી જાણ કરવામાં આવતાં પ્રતીકભાઈ ભાવનગરથી જામનગર પરત ફર્યા હતા.
ઘરે આવી તપાસ કરતાં મકાનનાં તાળાં તૂટેલી હાલતમાં અને કબાટ ખુલ્લાં જોવા મળ્યાં હતાં. કબાટમાંથી આશરે દોઢ તોલા સોનાના દાગીના તથા ૪૭૭ ગ્રામ ચાંદીના દાગીના સહિત કુલ રૂ. ૧,૮૧,૨૦૦ની કિંમતનો મુદ્દામાલ ચોરાઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે પ્રતીકભાઈ પરમારની ફરિયાદ પરથી સિટી એ-ડિવિઝન પોલીસે બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો છે.
આમ, શહેરમાં ફ્રૂટની દુકાન અને બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ કુલ રૂ. ૨.૬૯ લાખથી વધુની મત્તા ચોરી લીધી હતી. બંને ચોરીના બનાવ અંગે સિટી એ-ડિવિઝન અને બી-ડિવિઝન પોલીસે અલગ-અલગ ગુના નોંધી આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

