Moscow,તા.27
રશિયા-યુક્રેન વચ્ચે ત્રણ વર્ષ કરતાં પણ વધુ સમયથી ચાલતા યુદ્ધમાં યુક્રેને ૨૦મીના રોજ પુતિનના હેલિકોપ્ટરને લક્ષ્યાંક બનાવીનો ડ્રોન હુમલો કર્યો હતો. રશિયાના કમાન્ડરે સનસનાટીપૂર્ણ દાવો કર્યો છે. બીજી બાજુએ ટ્રમ્પે પુતિનને પાગલ ગણાવ્યા છે. તેમનું કહેવું છે કે પુતિનને કંઇક થઈ ગયું છે. તે બિનજરૂરી નરસંહાર કરી રહ્યા છે.તેની સાથે તેમણે ઝેલેન્સ્કીની પણ ટીકા કરી હતી.
રશિયાની એર ડિફેન્સ ડિવિઝનના કમાન્ડરે જણાવ્યું હતું કે પુતિન ૨૦મેના રોજ ક્રુસ્ક ઓબ્લાસ્ટ ગયા હતા. તે સમયે તેમના હેલિકોપ્ટરને લક્ષ્યાંક બનાવી ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. પણ રશિયાની એર ડિફેન્સ સિસ્ટમે આ હુમલો નિષ્ફળ બનાવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે એકબાજુએ અમે યુક્રેનના હુમલાનો જવાબ આપી રહ્યા હતા તો બીજી બાજુએ પુતિનની રક્ષા પણ કરી રહ્યા હતા.
પુતિન આ હુમલા વખતે એમઆઇ-૧૭ હેલિકોપ્ટર પર સવાર હતા. તે સમયે યુક્રેને મોટી સંખ્યામાં ડ્રોન હુમલો કર્યો હતો. તે સમયે એક્ટિવેટ કરાયેલી એરડિફેન્સ સિસ્ટમે ૪૬ ડ્રોન તોડી પાડયા. રશિયાએ પછી યુક્રેનના હુમલાનો જવાબ આપતા વળતો હુમલો કર્યો અને યુક્રેનના એકસાથે કેટલાય શહેરો પર કરેલા હુમલામાં ૪૦૦ જેટલા મિસાઇલ અને ડ્રોન વડે પ્રહાર કર્યો હતો. તેને હાલમાં ચાલતા યુદ્ધનો અત્યાર સુધીનો મોટો હવાઈહુમલો માનવામાં આવે છે. તેમા ૧૩ લોકોના જીવ ગયા હતા. ડઝનેક લોકો ઇજા પામ્યા હતા. આ હુમલાની ઝપેટમાં કીવ, ખારકીવ, માયકોલાઇવ, ટર્નોપિલ અને ખમેલનિત્સકી જેવા મોટા શહેરો આવ્યા હતા.
આ હુમલા વચ્ચે યુક્રેને ૩૦ દિવસનો યુદ્ધવિરામ પ્રસ્તાવ મૂક્યો છે, જેથી શાંતિ મંત્રણાના માર્ગ ખુલી શકે. આ હિંસા દરમિયાન રશિયા-યુક્રેને હજાર-હજાર કેદીઓની અદલાબદલીની પ્રક્રિાય પણ પૂરી કરી.
ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટ પર જણાવ્યું હતું કે પુતિન સાથે મારે વ્યક્તિગત ધોરણે સારા સંબંધો છે. પણ હાલમાં તો તે રીતસર પાગલ થઈ ગયા લાગે છે. તેમને કંઇક થઈ ગયું લાગે છે. તે યુક્રેનના શહેરો પર કારણ વગર મિસાઇલ છોડી રહ્યા છે. મેં હંમેશા કહ્યું છે કે તે આખુ યુક્રેન ઇચ્છે છે, ફક્ત તેનો એક ટુકડો નહીં. આ વાત સાચી સાબિત થઈ રહી છે. જો તે એમ કરે છે તો તે બાબત રશિયાના પતનનું કારણ બનશે.
તેમણે યુક્રેનના રાષ્ટ્પતિ ઝેલેન્સ્કીની પણ ટીકા કરતા જણાવ્યું હતું તેઓ જે રીતે વાત કરે છે તેનાથી તે તેમના દેશને તે નુકસાન જ કરી રહ્યા છે. તેમના મોઢામાંથી નીકળેલી દરેક વાત તકલીફ ઊભી કરે છે. મને તે પસંદ નથી. આ એક એવું યુદ્ધ છે જે હું રાષ્ટ્રપતિ હોત તો શરૂ થયું ન હોત. આ ઝેલેન્સ્કી, પુતિન અને બાઇડેનનું યુદ્ધ છે. ટ્રમ્પનું નહીં. હું ફક્ત નફરતની આ આગને ઓલવવા પ્રયત્ન કરી રહ્યો છું, જે જબરદસ્ત નફરત અને અક્ષમતાના લીધે શરૂ થઈ છે.