Kutch, તા.12
કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. જેનો પાટીદાર સમાજમાં જ વિવાદ થયો છે. પાટીદાર અગ્રણીઓ જ કહી રહ્યા છે કે, આજના સમયમાં ત્રણથી ચાર બાળકો પેદા કરવા ખુબ અઘરા છે.
આર.પી. પટેલના નિવેદનને પાટીદાર મહિલા અગ્રણી ગીતા પટેલે વખોડ્યું છે. તેમણે કહ્યું કે, આજના સમયમાં ત્રણથી ચાર બાળકો પેદા કરવા ખુબ અઘરા છે. આર. પી. પટેલ કરોડપતિ છે એટલે એમના માટે આ બધું સહેલું હોય.
ગામડામાં રહેતા અને ત્રણથી ચાર વિદ્યા જમીન ધરાવતા પરિવારને ચાર બાળકો કઇ રીતે પોસાય. આજના સમયમાં એક કરાતાં વધારે બાળક હોય તો તેની પાછળ અનેક ખર્ચા હોય છે.
આર. પી. પટેલને સરકાર તરફથી ડર છે કે રાજકીય તાકાત ઘટશે. ત્રણથી ચાર બાળકો પેદા કરવા એ મંચ પરથી બોલવું સહેલું છે. આજથી 20 વર્ષ બાદ અભ્યાસ રોજગાર અને બીજા ખર્ચા કેટલા હશે તે કલ્પના મુશ્કેલ છે.
ગીતા પટેલે વધુમાં કહ્યું કે, કાકા મામા અને બીજા સંબંધો માટે ચાર સંતાનોનો વિચાર કેટલો યોગ્ય. તમે એ મહિલાનો વિચાર કર્યો છે કે તે ચાર સંતાનને કઇ રીતે જન્મ આપશે. સમાજના મંચ પરથી સમાજની ચિંતા કરવી જોઇએ.
આજે યુવાનો નશો, ઓનલાઇન ગેમ, બેરોજગારથી પીડાય છે તેની ચિંતા જરૂરી છે. પાટીદાર યુવાનો ધંધા રોજગાર માટે પરેશાન તેની ચિંતા જરૂરી છે. સમાજમાં દીકરા દીકરીઓને મફત શિક્ષણ મળે તેની ચિંતા જરૂરી છે.
શા માટે દીકરીઓ ભાગીને લગ્ન કરે છે, તેની ચિંતા કરો. રાજકીય તાકાત વધારવા ચાર બાળકો પેદા કરો-એવુ ક્યારેય ન થાય. આપણે બિન અનામત આયોગના ચેરમેન નથી બનાવી શક્યા તે ચિંતા કરવાની છે.
વધુમાં જણાવ્યું કે, આર.પી પટેલે એક વાર એવું પણ નિવેદન આપ્યું હતું કે દીકરીઓ રિવોલ્વર રાખવાની જરૂર છે. દિકરીઓની સુરક્ષાની ચિંતા છોડી આડા પાટે ચઢવાની જરૂર નથી. હું એક માતા તરીકે નથી ઇચ્છતી કે મારી કુખે દિકરી જન્મે, કેમ કે તે સુરક્ષિત નથી. તો આ મુદ્દે ભાજપના નેતા અલ્પેશ કથીરિયાએ આરપી પટેલના નિવેદનને સમર્થન આપ્યું છે.