New Delhi,તા.16
ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આ વખતે હાઇ-સ્કોરિંગ મેચોની સાથોસાથ જોવા મળી, પણ સાધારણ સ્કોર્સ વચ્ચે પણ અનેક મુકાબલા દિલધડક જરૂર થયા છે અને એ રીતે સ્ટેડિયમોમાં પ્રેક્ષકોને તેમજ ટીવી પર આઇપીએલ માણતાં કરોડો દર્શકોને ભરપૂર મનોરંજન મળ્યું છે.
આ ક્રિકેટ-કમ- એન્ટરટેઇનિંગ ટૂર્નામેન્ટને વધુ રોમાંચક બનાવવા સત્તાધીશોએ રોબોટ-ડોગ ((ROBOT-DOG)ને મેદાન પર દોડતો કર્યો છે. મેદાન પર ખેલાડીઓ આ રોબોટ-ડોગને મળ્યા’ એમાં મહેન્દ્રસિંહ ધોનીની તેની સાથેની મુલાકાત ખાસ હતી. ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર ડેની મોરિસને આઇપીએલ દ્વારા સોંપવામાં આવેલી જવાબદારી મુજબ રોબોટિક-ડોગને મેદાન પર મૂક્યો હતો. મોરિસને રમૂજ ફેલાવતાં કહ્યું, નજીકના ભવિષ્યમાં આ રોબોટિક-ડોગ બ્રોડકાસ્ટ ટીમમાં પણ જોડાઈ જશે.મોરિસને મજાકિયા નિવેદનમાં એવું પણ કહ્યું કે, આ અનોખો ડોગ ચાલી શકે છે, દોડી શકે છે, બધાને અભિનંદન આપી શકે છે અને સૌથી વિશેષ વાત એ છે કે આ પાળેલો ડોગ છે. એમ છતાં મેદાન પર આ ફરી રહ્યો હોય ત્યારે કોઈએ તેની નજીક જવું નહીં.
રોબોટ-ડોગ સૌથી પહેલાં રવિવાર, 13મી એપ્રિલે પાટનગર દિલ્હીમાં મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ વખતે મેદાન પર સક્રિય કરવામાં આવ્યો હતો. આ અનોખા શ્વાને માથું આમતેમ ફેરવીને ખેલાડીઓને મૂંઝવી નાખ્યા હતા અને પ્રેક્ષકો તો પાગલ જ થઈ ગયા હતા.પ્રેક્ષકોએ આ ડોગની મૂવમેન્ટ જોઈને બૂમો પાડી હતી અને સ્ટેડિયમ ગૂંજવી નાખ્યું હતું. દિલ્હી સામેની મેચ વખતે મુંબઈના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ઉત્સુકતા સાથે રોબોટ-ડોગને અભિનંદન આપીને મેદાન પર તેનું સ્વાગત કર્યું હતું. દિલ્હીનો સુકાની અક્ષર પટેલ થોડો મૂંઝાયેલો હતો, જ્યારે મુંબઈના બોલર રીસ ટોપ્લી ચોંકી જવાની સાથે આનંદિત થઈ ગયો હતો.
સોમવારે લખનઊમાં લખનઊ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સનો કેપ્ટન એમએસ ધોની પ્રેક્ટિસ-સેશન દરમ્યાન મેદાન પર ઊતર્યો ત્યારે રોબોટ-ડોગ સામેથી આવી રહ્યો હતો. ધોનીએ મજાકમાં તેને ઊંચકીને ઊંધો પાડી દીધો હતો જેથી એ ડોગ આગળ વધી જ નહોતો શક્યો.
મેદાન પર પ્રેક્ટિસ કરી રહેલા ખેલાડીઓ અને સ્ટેડિયમમાંના પ્રેક્ષકો ધોનીની આ મજાકથી ખૂબ હસ્યા હતા. ધોની આગળ વધ્યો ત્યાર બાદ ટેક્નિકલ સ્ટાફના સભ્યોએ દોડી આવીને રોબોટ-ડોગને અસલ સ્થિતિમાં ઊભો કરી દીધો અને એ ડોગ પાછો આગળ વધ્યો હતો.