Jamnagar તા.23
જામનગર શહેરમાં હિટ એન્ડ રનનો વધુ એક બનાવ સામે આવ્યો છે. શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં પાપા લુઈસ પિઝ્ઝા સામે રોડ પર આઈસ્ક્રીમની રેકડી ધકેલી જઈ રહેલા એક વેપારીને અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માત સર્જી વાહનચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
તા. 22 જુલાઈ, 2026ના રોજ સાંજે અંદાજે 7:30 થી 8:30 વાગ્યાના સમયગાળા દરમિયાન આ અકસ્માત બન્યો હતો. ઈજાગ્રસ્ત નરેશભાઈ કરમચંદ જસવાણી (ઉ.વ.56) પોતાની આઈસ્ક્રીમની રેકડી સાથે પસાર થઈ રહ્યા હતા.
ત્યારે અજાણ્યા વાહનચાલકે બેફામ અને બેદરકારીપૂર્વક વાહન હંકારી તેમને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં નરેશભાઈને માથાના ભાગે ગંભીર હેમરેજની ઈજા ઉપરાંત આંખ અને શરીરના અન્ય ભાગોમાં પણ મૂંઢ ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જ્યા બાદ વાહનચાલક કોઈ મદદ કર્યા વિના સ્થળ પરથી નાસી છૂટ્યો હતો.
આ બનાવ અંગે ઈજાગ્રસ્તના પુત્ર લલીતભાઈ નરેશભાઈ જસવાણી (ઉ.વ. 31), રહે. સંત કબીર પ્રધાનમંત્રી આવાસ, એમ.પી. શાહ ઉદ્યોગનગર, જામનગર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. જામનગર સીટી ’સી’ ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા વાહનચાલક સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 125(એ), 125(બી), 281 તેમજ મોટર વાહન અધિનિયમની કલમ 177, 184 અને 134 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ પોલીસ સબ ઈન્સ્પેક્ટર કે. એચ. ચાવડા ચલાવી રહ્યા છે.

