રૂ. 30 હજારની સામે રૂ. 60,300 ચૂકવ્યા છતાં વધુ 40 હજારની ઉઘરાણી કરનાર બેલડી વિરુદ્ધ ગુનો
Upletaતા.26
ઉપલેટાના લેબર કોન્ટ્રાકટરને રૂ. 30 હજાર વ્યાજે આપી દર સપ્તાહે રૂ. 1500 વ્યાજ પેટે પડાવતી બેલડીને રૂ. 60,300 ચૂકવી દીધા છતાં વધુ 40 હજારની પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતાં મામલો ઉપલેટા પોલીસ મથક સુધી પહોંચ્યો છે.
મામલામાં ઉપલેટાના આશાપુરા સોસાયટીમાં રહેતા 45 વર્ષીય વિજયસિંહ બળવંતસિંહ સોલંકીએ નોંધાવેલી ફરિયાદમાં વ્યાજખોર તરીકે રોહિત કિશોર કાંબરીયા અને રવિ મકવાણાનું નામ આપતાં જણાવ્યું હતું કે, તેઓ લેબર કોંટ્રાકટર તરીકેનો વ્યવસાય કરે છે. વર્ષ ૨૦૨૩માં મારે લોનના હપ્તા ભરવાના હતા અને પૈસાની જરૂરત હોય જેથી ઉપલેટા વી-આંગડીયા પેઢીમાં કામ કરતો રવિભાઇ મકવાણા તેના માણસ રોહીત કિશોરભાઈ કાંબરીયા મારફતે વ્યાજનો ધંધો કરે છે તેમ જાણવા મળેલ હતું. જેથી હું રોહીતને ઉપલેટા વડલી ચોકમાં મળેલ હતો. ત્યારે રોહીતએ જણાવેલ કે અમે વ્યાજે પૈસા આપીએ છીએ પરંતુ દર અઠવાડીએ તમારે વ્યાજ આપવુ પડશે. મારે પૈસાની ખુબ જ જરૂરત હોય જેથી મેં રૂ.૩૦ હજાર વ્યાજે લેવાની હા પાડતા રોહીતએ કહેલ કે હું મારા શેઠ રવિભાઇ મકવાણા સાથે વાત કરીને તમને કહીશ પછી તમે પૈસા લઈ જજો.
બાદ તા.૦૨/૦૯/૨૦૨૩ ના બપોરના આશરે એક વાગ્યા આજુબાજુ હું વડલી ચોકમાં ગયેલ ત્યાં મારે અગાઉ વાત થયેલ હતી તે રોહીત કિશોરભાઈ કાંબરીયા તથા રવિભાઈ મકવાણા ભેગા થયેલ હતા. ત્યારે રૂ. 30 હજારનું દર સપ્તાહ રૂ. 1500 વ્યાજ ચૂકવવું પડશે તેમ જણાવી રૂ. 10 હજાર ગુગલ પેથી અને રૂ. 18,500 રોકડા આપ્યા હતા. રૂ. 1500 પ્રથમ સપ્તાહનું વ્યાજ કાપી લીધું હતું. બાદ રૂ. 30 હજારની સામે દર સપ્તાહ રૂ. 1500 હિસાબે આજદિન સુધી રૂ. 60,300 ચૂકવી દીધેલા છે.
તેમ છતા રોહીત અને રવિ મને તા.૨૯/૦૪/૨૦૨૫ ના રોજ ઉપલેટા વડલી ચોકમાં આવેલ કનૈયા ફાયનાંસ પાસે ભેગા થયેલ હતા અને કહેલ કે, તુ અમારા વ્યાજ સહીત રૂ.૪૦ હજાર આપી દેજે નહિતર સારા વાટ નહિ રહે અને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપેલ હતી. જે બાદ યુવકે મિત્રોને વાત કરતા મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો.
મામલામાં ઉપલેટા પોલીસે વ્યાજખોર બેલડી વિરુદ્ધ મની લેન્ડિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.