Washington,તા.21
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેના સાથી તેમજ એફીસીયન્સી ડિપાર્ટમેન્ટના વડા એલન મસ્ક એક બાદ એક વિવાદમાં ફસાતા જાય છે તે સમયે ન્યુયોર્ક ટાઈમ્સે એવો ધડાકો કર્યો છે કે ચીન સામેના યુદ્ધની દેશના સૈન્યની વ્યુહરચના એલન મસ્કને દર્શાવવા અમેરિકી લશ્કરી સંસ્થાન પેન્ટાગોને તૈયારી કરી છે.
જો કે આ અહેવાલ બહાર આવતા જ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેને ફગાવી દીધા છે પરંતુ જે રીતે મસ્ક એક બાદ એક સરકારી વિભાગોમાં પોતાની પહોંચ બનાવી રહ્યા છે અને જે રીતે ડોનાલ્ડ ટ્રમ્પ પણ તેમને છુટો દોર આપી રહ્યા છે.
તે પછી આ પ્રકારે યુદ્ધ રણનીતિની 30થી વધુ અત્યંત સિક્રેટ ગણાતી સ્લાઈડ એલન મસ્કને દર્શાવાઈ હોય અથવા દર્શાવવાની તૈયારી હોય તેનાથી સૈન્ય અધિકારીઓના ભવા પણ ઉંચકાયા છે.
અમેરિકા અને ચીન આગામી સમયનું સૌથી મોટુ સૈન્ય હરીફ બની શકે છે અને અમેરિકી સૈન્યએ ચીન સામે લડવા માટે ખાસ રણનીતિ બનાવી છે અને તે મુજબ સંરક્ષણ તૈયારીઓ પણ કરી રહ્યું છે.
તે વચ્ચે ન્યુયોર્ક ટાઈમ્સે જણાવ્યું કે 20થી30 સ્લાઈડ કે જેમાં ચીન સામેના યુદ્ધમાં અમેરિકા કઈ કઈ વ્યુહરચના અપનાવી શકે છે તે દર્શાવ્યું છે. જો કે ટ્રમ્પે કહ્યું કે આ પ્રકારે મસ્કને કોઈ સ્લાઈડ દર્શાવાઈ નથી કે દર્શાવાશે નહી.